સાહિત્ય અકાદમી અને લેંગ લાઈબ્રેરીના ઉપક્રમે યોજાયું લેખકમિલન
સાહિત્ય અકાદમી, દિલ્હી અને રાજકોટની લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયના ઉપક્રમે લેખકમિલન કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં રાજકોટ ખાતે જાણીતા સાહિત્યકાર ધીરેન્દ્ર મહેતા સાથે સંવાદ યોજાયો હતો. સાહિત્ય અકાદમીના સલાહકાર સમિતિના સભ્ય તથા લેંગ લાઈબ્રેરીના ઉપપ્રમુખ નીતિનભાઈ વડગામાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું. લાઈબ્રેરીના મંત્રી પ્રવિણભાઈ રૂપાણીએ મુખ્ય વકતા ધીરેન્દ્ર મહેતાનું તેમજ સભ્ય બિપીનભાઈ મહેતા, રાજેશભાઈ માંડલિયા અને હર્ષિદાબેન આરદેશણાએ અનુક્રમે વિનોદ જોશી, રત્નાકર પાટિલ અને ડો.દર્શનાબેન ધોળકિયાનું પુસ્તક દ્વારા સ્વાગત કર્યું હતું. સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષાના ક્ધવીનર અને કવિ-વિવેચક ડો.વિનોદ જોશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તથા જાણીતા લેખિકા ડો.દર્શનાબેન ધોળકિયાએ ધીરેન્દ્ર મહેતાનો પરિચય આપ્યો હતો. ડો.ધીરેન્દ્ર મહેતાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, સર્જનની પ્રક્રિયા રહસ્યમય છે. સાહિત્યકૃતિમાં સર્જકતા જ સર્વોચ્ચ બને છે અને સામગ્રી સર્જકતામાં કઈ રીતે રૂપાંતરિત થાય છે એ મહત્વનું છે. પોતાની કાવ્યકૃતિઓ, વાર્તાઓ અને નવલકથાઓના ઉદાહરણો સાથે તેમણે જણાવ્યું હતું કે, જયારે જે અનુભવમાં મુકાવાનું બન્યું હોય ત્યારે જ કૃતિ આવે એવું નથી હોતું.
અનુભવ સમય અને નિરૂપણના સમય વચ્ચે એક અંતરાલ હોય છે. લેંગ લાઈબ્રેરીના પ્રમુખ ડો. નિરંજનભાઈ પરીખે આ સાહિત્યિક આયોજનને આવકાર્યું હતું અને લાઈબ્રેરીની વિવિધ પ્રવૃતિઓનો પરીચય આપ્યો હતો. કાર્યક્રમની સફળતા માટે લાઈબ્રેરી મંત્રી પ્રવિણભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તમામ સભ્યો તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અકાદમીના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.