કોર્પોરેશનના ૪૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર બજેટ કોઈ વિરોધ વિના સર્વાનુમતે પસાર: ખોટી યોજનાઓ દર્શાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કોંગી મહિલા કોર્પોરેટરોએ મેયર અને કમિશનરને લોલીપોપ દેખાડી
રાજકોટ મહાનગરપાલિકાના ૪૪ વર્ષના ઈતિહાસમાં આજે પ્રથમવાર અંદાજપત્ર જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુર થયું હતું. ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ બજેટને સર્વાનુમતે મંજુરીની મહોર મારી હતી. બીજી તરફ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ બજેટમાં ખોટી અને મોટી યોજનાઓ દર્શાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મેયર અને કમિશનરને લોલીપોપ દેખાડી તેઓના ટેબલ પર લોલીપોપ ફેંકી હતી.
આજે સવારે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્વ.રમેશભાઈ છાયા સભાગૃહમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે મહાપાલિકાનું વર્ષ ૨૦૧૮-૨૦૧૯નું કરોડનું બજેટ જનરલ બોર્ડ સમક્ષ મંજુરી અર્થે રજુ કર્યું હતું. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે શાસક પક્ષના નગરસેવકો બજેટના બે મોઢે વખાણ કરતા હોય છે તો સામાપક્ષે વિરોધ પક્ષના નગરસેવકો બજેટને વગોવવામાં પાછી પાની કરતા હોતા નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે આગામી નાણાકીય વર્ષ માટે એકંદરે વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. આજે મહાપાલિકાના ૪૦ વર્ષના ઈતિહાસમાં રેકોર્ડબ્રેક પ્રથમવાર બજેટ બહુમતીથી નહીં પરંતુ સર્વાનુમતે મંજુર થયાની ઈતિહાસિક ઘટના બની હતી. જનરલ બોર્ડમાં મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી ૧૧ પૈકી એક માત્ર દરખાસ્ત કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ હેઠળ વેરાના દર નકકી કરવાનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત મહાપાલિકાના વર્ષ ૨૦૧૭-૧૮નું રીવાઈઝ અંદાજપત્ર, નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯નું વાર્ષિક અંદાજપત્ર આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય કર, શિક્ષણ ઉપકર નિયત કરવા, પાણીનો દર નિયત કરવા, ખુલ્લા પ્લોટ પરનો ટેકસ નિયત કરવા, થિયેટર ટેકસ નિયત કરવા, વાહન કર નિયત કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, મિલકત વેરામાં વળતર યોજનાને મંજુરી આપવા, ઓનલાઈન પેમેન્ટમાં વળતર આપવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ ૨૦૧૮-૨૦૧૯નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની ૧૦ દરખાસ્તોને સભાગૃહમાં સર્વાનુમતે મંજુરીની મહોર મારવામાં આવી હતી.
મહિલા કોંગી કોર્પોરેટરોએ બજેટમાં અનેક એવી યોજનાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો કે શાસકો માત્ર લોકોને હથેળીમાં ચાંદ બતાવે છે ૨૦-૨૦ વર્ષથી બજેટમાં સમાવાતી યોજનાઓ સાકાર થતી નથી. બજેટ માત્ર લોલીપોપ સમાન છે તેવું કહી કોંગી મહિલા કોર્પોરેટરોએ મેયર અને કમિશનરને લોલીપોપ બતાવી લોલીપોપ ફેંકી હતી. આ ઘટનાને ખુદ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ વગોવી કાઢી હતી. આજે મહાપાલિકાના ઈતિહાસમાં જનરલ બોર્ડમાં પ્રથમવાર બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું.
ફરજ ફર્સ્ટ: પરિવારમાં લગ્નપ્રસંગ છતાં જયાબેન ડાંગર રહ્યા બોર્ડમાં હાજર
પ્રજાના પ્રતિનિધિ બન્યા બાદ તમામ ફરજ અદા કરવી તે એક સાચા નેતાની નિશાની છે. મહાપાલિકામાં આજે બજેટ મંજુર કરવા માટે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં એસ્ટેટ કમિટીના ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર પોતાના જેઠ બિજલભાઈ ડાંગરના પુત્ર ડો.પ્રભાત ડાંગરના લગ્ન હોવા છતાં બોર્ડમાં હાજર રહ્યા હતા એટલું જ નહીં તેઓએ જયાં સુધી બોર્ડની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી હાજરી આપી હતી.