ટેકાના ભાવ, દેવા માફ કરવા સહિતની બાબતોને લઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવતા ખેડૂતો
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેમજ ખેડૂતોને જુદી જુદી સરકારી યોજનાના લાભ તેમજ દેવા માફ કરવા રાજયભરમાં આંદોલનો ચાલી રહ્યાં છે ત્યારે આજે રાજકોટમાં ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી જુદી જુદી ૭ જેટલી માંગણીઓ મુદ્દે આવેદનપત્ર પાઠવી ગામડે-ગામડે ખેડૂતોની ખેત પેદાશોને સંગ્રહ કરવા ગોડાઉનો બનાવવા સહિતની માંગણી ઉઠાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ રાજકોટ જિલ્લાના ખેડૂત અગ્રણી વિશાલભાઈ સાવલીયા, કિશોરભાઈ સવાણી સહિતના ધરતીપુત્રોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અનાજ, કઠોળ, શાકભાજી અને અન્ય ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવા. ખેડૂતોની ટેકાના ભાવે ખરીદાયેલી જણસીનું તાત્કાલીક ચૂકવણું કરવા, જંતુનાશક દવા અને બિયારણો સીધા ખેડૂતોને મળે તેવી વ્યવસ કરવી, ગામડે-ગામડે ખેડૂતોની ખેત પેદાશ સંગ્રહવા માટે ગોડાઉનો ઉભા કરવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની માંગણીઓ ઉઠાવવામાં આવી હતી.