ભરઉનાળે તલાવડા ભરાયા, નાળાઓ છલકાયા, ખેતરોમાં પાણી ફરી વળ્યા: વોર્ડ નં.૪નાં મોરબી રોડ પરનાં વિસ્તારો અને વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામમાં પાણી વિતરણ કલાકો સુધી મોડુ
રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રનાં અનેક શહેરોને પાણી પુરુ પાડતી નર્મદા કેનાલની ૧૨ નંબરની પાઈપલાઈનમાં ગત મધરાત્રે ગૌરીદળ નજીક અચાનક મોટું ભંગાણ સર્જાવાનાં કારણે લાખો લીટર પાણી વેડફાયું હતું. ભરઉનાળે એક તરફ સૌરાષ્ટ્રવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે.
ત્યારે ગૌરીદળ પાસે પાણીની પાઈપલાઈન તુટવાનાં કારણે તલાવડા ભરાયા હતા. નાળાઓ છલકાઈ ગયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. પાઈપલાઈન તુટતા રાજકોટનાં વોર્ડ નં.૪નાં મોરબી રોડ પરનાં વિસ્તાર અને વોર્ડ નં.૧૮નાં કોઠારીયા ગામમાં વિસ્તારોમાં પાણી વિતરણ કલાકો સુધી મોડુ કરવામાં આવ્યું હતું. આજે મોડીરાત્રે પાઈપલાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નર્મદાની પાઈપલાઈનમાં ગત મધરાત્રે ભંગાણ સર્જાયું હતું. ૧૫૦૦ એમએમની એસએસની આ મહાકાય પાઈપલાઈનને જોઈન્ટ કરવા માટે જે જગ્યાએ કાણું પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કાણું બુરવા માટે જયાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો.
તે જોઈન્ટ તુટવાના કારણે ભંગાણ સર્જાતા ગૌરીદળ નજીક આવેલા અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભરઉનાળે જાણે ધોધમાર વરસાદ પડયો હોય તે રીતે નાળાઓમાં પાણી વહેવા લાગ્યા હતા અને ચોતરફ તલાવડાઓ ભરાઈ ગયા હતા. સતત ૧૨ કલાકથી વધુ સમય લાઈન લીકેજ ચાલુ રહેતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું.
ગૌરીદળ નજીક જે સ્થળે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું છે તે પાઈપલાઈન દ્વારા રાજકોટનાં કોઠારીયા ગામને ૮ એમએલડી પાણી આપવામાં આવે છે. આજે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે બેડી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા વોર્ડ નં.૪નાં મોરબી રોડ પરનાં અનેક વિસ્તારો અને વોર્ડ નં.૧૮નાં કોઠારીયા ગામમાં તિરૂપતિ પમ્પીંગ સ્ટેશન અને સ્વાતિ પાર્ક ફિલ્ટર પ્લાન્ટ હેઠળનાં વિસ્તારોમાં અંદાજે ૧૨ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવશે.
ગૌરીદળ નજીક નર્મદાની પાઈપલાઈનમાં મોટુ ભંગાણ સર્જાયાની જાણ થતાની સાથે જ મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતનાં ઘટનાસ્થળ પર ધસી ગયા હતા. પાઈપલાઈન લીક થતાં હાલ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જે સ્થળે લીકેજ છે તે સ્થળે દેખાવા લાગી છે. સાંજે ૫ વાગ્યા બાદ રીપેરીંગનું કામ પૂર્ણ થશે.
ત્યારબાદ ૩ થી ૪ કલાકનો સમય પાઈપલાઈન રીપેરીંગમાં લાગશે એટલે કે રાત્રે ૧૦ વાગ્યા બાદ ફરી આ લાઈન મારફત જે વિસ્તારોને નર્મદાનું પાણી આપવામાં આવે છે ત્યાં પાણી ફરી શરૂ કરવામાં આવશે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાનાં અધિકારીઓને કોઠારીયા સહિતનાં વિસ્તારોમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી છે.
જરૂર પડયે અહીં ટેન્કર દ્વારા પણ પાણી પુરુ પાડવામાં આવશે. આ પાઈપલાઈન જીડબલ્યુઆઈએલનાં કાર્યક્ષેત્રમાં આવતી હોવા છતાં મ્યુનિસિપલ કમિશનરે નર્મદા નિગમનાં અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી યુદ્ધનાં ધોરણે સમારકામ શરૂ કરાવી દીધું છે.
મેયર બીનાબેન આચાર્ય અને ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ પણ એવી ખાતરી આપી હતી કે, પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવા છતાં એક પણ વિસ્તારમાં પાણી વિતરણ મોડુ થાય પરંતુ લોકોને સંપૂર્ણપણે પાણી ન મળે તેવું નહીં બને. લોકોને વહેલા-મોડુ પણ પાણી આપી દેવામાં આવશે.