સ્માર્ટ સિટીના કોન્ટ્રાક્ટરે અટલ સરોવર પાસે પાઇપલાઇન તોડી: યુદ્વના ધોરણે રીપેરીંગની કામગીરી: ન્યારા પર વધારાનું નર્મદાનું પાણી લઇ વિતરણ વ્યવસ્થા ટકાવી
અબતક, રાજકોટ
ન્યારી-1 ડેમથી રૈયાધાર પમ્પીંગ સ્ટેશન સુધી રો-વોટર લઇ જતી એક્સપ્રેસ ફિડર લાઇનમાં આજે સવારે સ્માર્ટ સિટીના કોન્ટ્રાક્ટરે સેક્ધડ 150 ફૂટ રીંગ રોડ પર રેસકોર્ષ-2 પાસે અટલ સરોવર નજીક ભંગાણ સર્જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કોર્પોરેશન દ્વારા યુદ્વના ધોરણે રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ન્યારા પમ્પીંગ સ્ટેશન પર વધારાનું નર્મદાનું પાણી લઇ વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવામાં આવી હતી.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ન્યારી-1 ડેમથી રૈયાધાર સુધી રો-વોટર લઇ જતી 1,000 એમએમની મુખ્ય પાઇપલાઇનમાં આજે સવારે સ્માર્ટ સિટીના કોન્ટ્રાક્ટરે અટલ સરોવર નજીક મહાકાય ભંગાણ સર્જી દીધું હતું.
પાઇપલાઇનમાં મોટું કાંણુ પડતા રોડ પર પાણીના ફૂવારા છૂટ્યા હતા. 1000 એમએમની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાનાના કારણે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કોર્પોરેશન દ્વારા યુદ્વના ધોરણે પાઇપલાઇન રીપરીંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ભંગાણ ખૂબ જ મોટું હોવાના કારણે બપોર સુધી રીપેરીંગની કામગીરી ચાલી હતી. દરમ્યાન ગાંધીગ્રામ સહિતના 150 ફૂટ રીંગ રોડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાઇ નહી તે માટે તાબડતોબ ન્યારા પમ્પીંગ સ્ટેશન ખાતે વધારાનું નર્મદાનું પાણી લઇ વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવામાં આવી હતી. બપોર બાદ એક-બે વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા પર અસર પડે તેવી સંભાવના પણ જણાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ન્યારી-1 ડેમથી રૈયાધાર સુધી રો-વોટર પહોંચાડતી આ એક્સપ્રેસ ફીડર લાઇન ખૂબ જ જર્જરિત થઇ ગઇ હોવાના કારણે છાશવારે ભંગાણ સર્જાય છે. આ પાઇપલાઇન બદલાવા માટેની કામગીરી પણ ચાલી રહી છે.