ઠંડીની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં ચીકી જોવા મળે છે. સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર ચીકી બાળકોથી લઈને મોટા સુધીના તમામને ભાવતી હોય છે. ચીકી શિયાળામાં ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો પણ થાય છે. ચીકીના અનેક પ્રકાર હોય છે. શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતી શકિતનો રાજા સાની, કચરીયુના હાટડાઓ મંડાઈ ગયા છે. રાજ્યમાં અનેક જગ્યાએ સાનીનું વેંચાણ શરુ થઈ ગયું છે. ત્યારે જામનગરમાં મોટા પ્રમાણમાં સાનીનું વેંચાણ થવા લાગ્યું છે.
જામનગરમાં આવેલ સમર્પણ સર્કલ પાસે કચારિયુના ઘાણીઓ મંડાય ગયા છે. જોકે કચારિયુને સાની પણ કહેવામાં આવે છે. હાલ શિયાળો આવતાની સાથે રાજસ્થાનથી સાની બનાવતા કારીગરો જામનગર ખાતે પહોંચી જાય છે. અને રોજ 20 કિલો સાનીનું વેચાણ કરે છે.
ખાસ વાત તો એ છે કે હાલ જેમ ટેકનોલોજી આધુનિક બનતી જાય છે તેમ કારીગરો પણ આધુનિક બનતા જાય છે. પહેલા સાની બનાવવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે હાલના આધુનિક યુગમાં બળદની જગ્યા એ બાઈકનો ઉપયોગ કરવામાં આવે છે.
સાની બનાવતા રાજેસ્થાની કરીગરે જણાવ્યું હતું કે, કચરિયું શિયાળામાં શરીર માટે આરોગ્ય વર્ધક હોય છે. જેથી શિયાળામાં ઘાણીમાં તલ પીસીને સાની બનાવામાં આવે છે. ધમધમતી બજારોમાં તલની સાની અને વિવિધ ચીકી, શીંગ,તલ,દાળીયા અને મમરાના લાડુ સહિતની ચીજવસ્તુઓ વેંચાઈ રહી છે. પરંતુ સાની માત્ર શિયાળામાં ખવાતી હોવાથી લોકો સાની મોટા પ્રમાણમાં આરોગી રહ્યા છે.