31મી મે પહેલા શહેરના તમામ નાના-મોટા વોંકળાની સફાઇ આટોપી લેવા અધિકારીઓને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની તાકીદ
ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જાય છે. વોંકળામાં દબાણના કારણે શહેર આખું પાણી-પાણી થઇ જાય છે. આ વર્ષે આવી સ્થિતિ ન સર્જાય તે માટે વોંકળામાં કચરો ફેંકનાર લોકો પર તૂટી પડવા અધિકારીઓને મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે કડક તાકીદ કરી છે. વોંકળા સફાઇની કામગીરી 31મી મે પહેલા કોઇપણ સંજોગોમાં આટોપી લેવા પણ સૂચના આપવામાં આવી છે.
આગામી ચોમાસાની ઋતુના અનુસંધાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી.
મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેને તમામ વોકળાઓ સફાઈ માટે હૈયાત મશીનરી અને જરૂર જણાય તો મશીનરી ભાડે રાખી આગામી 31 મે સુધીમાં તમામ વોકળાઓની સફાઈ જાય તેવું આયોજન કરવું. ઉપરાંત વોકળામાં રબીશ ન નાખે તેની પણ તકેદારી રાખવા સુચના આપી છે.
આ અંગે મેયરે જણાવ્યું હતું કે અગાઉ ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવેલ જેનું પરિણામ મળેલ ફરીથી શહેરના ન્યુસન્સ પોઈન્ટ હોય તેવા તમામ ન્યુસન્સ પોઈન્ટ બંધ થાય તે માટે અવાર નવાર ચેકિંગ, આજુબાજુના રહેવાસીઓને કચરો નહી ફેંકવા જાગૃતતા માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત આવેલ હોકર્સ ઝોન તેમજ શાક માર્કેટ, રોડ પર રહેતી શાકભાજીની રેકડીઓ દ્વારા સ્થળ ઉપર રાત્રિના સમયે કચરો રાખી મુકતા હોય છે જેના કારણે ખુબ જ ગંદકી થતી હોય જે તમામ લોકો ગંદકી ન કરે તે માટે અવાર નવાર ચેકિંગ કરવું તેમજ શહેરના વોકળામાં જે લોકો રબીશ નાખતા હોય તેવા આસામીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી અને વોકળા પર કોઈ નાનું મોટું દબાણ હોય જેના કારણે ચોમાસામાં પાણી અટકે આવા દબાણ અંગે ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે પણ સંકલન કરવું.
સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભરે વોકળાની સફાઈ દરમ્યાન વિસ્તારના કોર્પોરેટર સાથે સંકલન કરવું જેથી તેઓના પણ ધ્યાનમાં રહે. આ ઉપરાંત એસ.આઈ.એ પણ નાના મોટા વોકળાઓની સ્થળ વિઝીટ કરી નાયબ પર્યાવરણ અધિકારીની સાથે સંકલનમાં રહેવું.
અંતે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલએ 31 મે સુધીમાં તમામ વોકળાઓની સફાઈ થઈ જાય તેવી તાકીદ કરેલ હતી.