વડાપ્રધાનનાં આહ્વાન બાદ નેચરોપથીની સારવાર લઇ 10 દિવસમાં 6 કિલો વજન ઉતાર્યું
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું રાજકીય કદ સતત વધી રહ્યું છે. તેઓ મોદી અને શાહની ગુડ બુકમાં છે. જો કે તાજેતરમાં તેઓનું શરીરનું વજન ઘટ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન બાદ સી.આર.પાટીલે નેચરોપથીની સારવાર લઇ 10 દિવસમાં 6 કિલો વજન ઘટાડ્યું છે.
તેઓએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવ રજૂ કરતા અને વડાપ્રધાનનાં આભાર માનતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે, જેનો એક અનુભવ મને પણ થયો. વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો, જે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી. દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી આપ સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયો છું.
અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નેચરોથેરાપીના નિયમો અને શિડયુલના કારણે વાત ના કરી શકયો એ માટે દિલગીર છું અને આપની લાગણી, શુભેચ્છાઓ માટે આભારી છું.
વિશેષ રૂપે મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું.
આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી એઆઇઆઇએમએસનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમાં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે પીએમને અભિનંદન પણ પાઠવ્યા હતાં.