પેપર ઉપરના ટાઈગરોને ભરી પીશે પાટીલ: વહિવટદાર નેતાઓને સાઈડલાઈન કરવાનો તખ્તો તૈયાર?
પાટીલે પ્રવાસ દરમિયાન સંગઠનમાં રહેલા ઘણા બધા છિંડાઓનું નિરીક્ષણ કરીને તેમને દુર કરવાની કવાયત હાથ ધરી
ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલને પસંદ કર્યા છે. એક સમયે શિસ્તબઘ્ધ સંગઠનથી પાર્ટી સફળતાના શિખરો સર કરી રહી હતી પરંતુ જેમ કોંગ્રેસની કચાશ રહી તેમ ભાજપમાં પણ અશિસ્તની કચાશ જોવા મળી હતી. અશિસ્તનાં વાતાવરણમાં શિસ્તને લઈને માસ્ટરની જગ્યાએ પોલીસવાળાને હાઈકમાન્ડે પ્રમુખ બનાવ્યા છે. આ પ્રમુખે સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ઘણાબધા છિંડાઓનું નિરીક્ષણ કરી હવે તેને હટાવવાની કવાયત હાથધરી છે. પાટીલનો સૌરાષ્ટ્રનો આ પ્રવાસ ઘણા વહિવટદાર નેતાઓની ડોલી ઉઠાવી દેશે તેવું લાગી રહ્યું છે.
પ્રદેશ ભાજપનાં નવનિયુકત પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. તેઓએ અહીં ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને હવે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તેઓએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને પુરતો સમય આપી તેને સાંભળ્યા છે. ખરેખર સી.આર.પાટીલે પ્રમુખની જવાબદારી સંભાળ્યા વેત જ સંગઠનને ચોખ્ખુ ચણાટ બનાવવાની કાર્યવાહી હાથધરી દીધી છે. આ કાર્યવાહીના ભાગરૂપે જ સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવાયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. સી.આર.પાટીલે કાર્યકર્તાઓ ઉપર વધુ ધ્યાન આપીને તેઓનો ઉત્સાહ બેવડો કરી દીધો છે. પક્ષમાં કાર્યકર્તાઓ જ સર્વેસર્વા હોવાનું જણાવી તેઓએ કાર્યકર્તાઓની કદર કરી છે.
સી.આર.પાટીલ સંગઠનને વધુમાં વધુ મજબુત અને અસરકારક બનાવવાની નેમ સાથે પ્રમુખપદ ઉપર આવ્યા છે.
તેઓએ કડક શબ્દમાં પેપર ઉ૫રનાં ટાઈગરોને ભરી પીવાનો સંકેત આપી દીધો છે એટલે હવે એ વાત તો નિશ્ર્ચિત છે કે, મોટા ગજાના નેતાઓ અને મોટા હોદા ધારણ કરનારા જે વહિવટી પાંખમાં જોડાયા છે તેની પાંખ કપાવવાની છે.
સી.આર.પાટીલ દ્વારા તમામ જિલ્લાઓમાં બેઠકોનો જે દૌર ચાલ્યો હતો તેમાં કાર્યકર્તાઓ અને સંગઠન સાથે જોડાયેલા લોકોના તમામ પ્રશ્ર્નો સાંભળવામાં આવ્યા હતા અને અનેક પ્રશ્ર્નોનું સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સી.આર.પાટીલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવ્યા છે તે પ્રવાસ સંગઠનમાં ધરખમ ફેરફાર કરવા માટે નિમિત બનવાનો છે. વધુમાં તેઓએ અત્યારથી જ આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેઓ દ્વારા કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફુંકીને ૧૮૨ બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરવાનું આહવાન કર્યું હતું.
સી.આર.પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ સમગ્ર સૌરાષ્ટ્રનાં કાર્યકર્તાઓ માટે એક યાદગાર સંભારણુ બની ગયો છે. બીજીબાજુ પક્ષનાં જે વફાદાર કાર્યકર્તાઓ અને અગ્રણીઓ છે તેઓને સી.આર.પાટીલ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય કે હવે પક્ષમાં કોઈ પ્રકારની લાગવગશાહી ચલાવી લેવામાં આવશે નહીં. આમ પક્ષને વફાદાર રહી કામ કરતા કાર્યકરોમાં હવે નવા પ્રાણ ફુંકાયા છે.