સી.આર.પાટીલને કેન્દ્રમાં મંત્રી પદ અપાય તેવી પ્રબળ સંભાવના: પ્રમુખ પદ સૌરાષ્ટ્ર અપાય તેવી પણ શક્યતા
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની ત્રણ વર્ષની પ્રમુખ તરીકે મુદ્ત આગામી 20મી જુલાઇના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગમે ત્યારે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી ચર્ચા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોરશોરથી ચાલી રહી છે. ગુજરાત સહિત પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખની ઘોષણા કરવામાં આવશે.
ભાજપ હાઇકમાન્ડ દ્વારા 20 જુલાઇ, 2020ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જીતુભાઇ વાઘાણીના સ્થાને નવસારીના સાંસદ સી.આર.પાટીલની વરણી કરવામાં આવી હતી. તેઓના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત થયું છે. વિધાનસભાની પેટા ચૂંટણી, કોર્પોરેશન, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થયો હતો. પેજ સમિતિના તેઓના પ્રયોગની અમલવારી દેશ લેવલ કરવા ખૂદ વડાપ્રધાન દ્વારા અન્ય રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને તાકીદ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ ભાજપ રેકોર્ડબ્રેક 156 બેઠકો જીતી સતત સાતમી વખત સત્તારૂઢ થયું છે. સી.આર.પાટીલ સતત પરિવર્તન કરી રહ્યા છે.
આ પરિવર્તનોને ભાજપના કાર્યકરો, આગેવાનો સાથે મતદારોએ પણ હોંશભેર સ્વિકાર કર્યો છે. તેઓના દરેક નિર્ણયો પક્ષ માટે ખૂબ જ સારા પૂરવાર થયા છે. ભાજપના રાષ્ટ્રીયથી લઇ મંડલ કક્ષા સુધીના પ્રમુખની મુદ્ત ત્રણ વર્ષની હોય છે. આગામી 20મી જુલાઇના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. તે પૂર્વે જ ગમે તે ઘડીએ મોદી-શાહની જોડી દ્વારા ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે.
સામાન્ય રીતે તમામ ઝોનને સાચવી લેવા માટે જ્યારે મુખ્યમંત્રી અન્ય પ્રાંતના હોય ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સૌરાષ્ટ્રના હોય છે. હાલ સૌરાષ્ટ્ર પાસે સરકાર કે સંગઠનમાં ટોચનું સ્થાન ન હોય નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રમાંથી કોઇ નેતાની નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણની વાતો પણ ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપના સંગઠન માળખાને મજબૂત કરવા માટે ત્રણ વર્ષમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેનાર સી.આર.પાટીલને કેન્દ્રમાં મંત્રી પદ આપવામાં આવે તેવી સંભાવના પણ જણાઇ રહી છે. ગુજરાત સહિત અલગ-અલગ પાંચ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામોની ઘોષણા ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગમે ત્યારે કરવામાં આવે તેવું ચર્ચાઇ રહ્યું છે.