ઉના, જાફરાબાદ, રાજુલા, મહુવા, ભાવનગરના ગ્રામીણ ક્ષેત્રોમાં જશે: વડાપ્રધાન, મુખ્યમંત્રી બાદ ભાજપના વરિષ્ઠ નેતા હવે સ્થિતિ જાણશે
તાઉતે વાવાઝોડાએ અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વિનાશ વેર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ આજથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે ફુંકાયેલા તાઉતે વાવાઝોડા ગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાતે આજથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવ્યા છે. હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રૂ મોદીએ કેટલાક અસરગ્રસ્ત ક્ષેત્રોનો હવાઈ પ્રવાસ કર્યો હતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને પરીસ્થિતિની માહિતી મેળવી છે અને રાહતના પગલા પણ જાહેર કર્યા છે. તે વચ્ચે પાટીલ આજથી બે દીવસ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવાના છે. પાટીલ આજે સવારે સૌરાષ્ટ્ર આવી પહોંચ્યા છે. ઉના તાલુકાથી તેમના પ્રવાસનો પ્રારંભ થયો છે. તેઓ ઉના તાલુકાના અંબાડા, ભાયા, સનખડા, ગાગડા ઉપરાંત ઉના શહેરની મુલાકાત લેશે ત્યાંથી જાફરાબાદ તાલુકાની કડીયાણી, બાલણા, જાફરાબાદ, રાજુલા અને મહુવા તાલુકાના અસરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેશે. તેઓ બાદમાં મહુવામાં રાત્રીરોકાણ કરી પછી મહુવા, પાલીતાણા, શિહોર, ભાવનગરના ક્ષેત્રોની મુલાકાત લઈને સુરત જવા રવાના થશે. આ સાથે જ સ્થાનિક કક્ષાએ ભાજપા સંગઠન દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જાણકારી લેશે તથા આવનાર સમયમાં સંગઠનની કામગીરીની ચર્ચા કરવામાં આવશે.
આ મુલાકાત દરમ્યાન તેમની સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ સરવૈયા, પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સાંસદ ભારતીબેન શિયાળ, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક જીલ્લા/મહાનગર પ્રમુખો સ્થાનિક જીલ્લાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહેશે.