મોદી અને શાહની રણનીતિ તો કામ કરી જ પણ તેના અમલની જવાબદારી જેમના શિરે હતી એવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મહેનત રંગ લાવી: તેમના કાર્યકાળમાં ભાજપ નવી ઊંચાઈએ પહોંચ્યું

ભાજપની રેકોર્ડબ્રેક જીતના અસલી હીરો સી.આર.પાટીલ છે. મોદી અને શાહની રણનીતિ તો કામ કરી જ પણ તેના અમલની જવાબદારી જેમના શિરે હતી એવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મહેનત રંગ લાવી છે. તેમના કાર્યકાળમાં ભાજપ નવી ઊંચાઈએ પહોંચ્યું છે.ગુજરાતમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી છે. મતગણતરીની શરૂઆતથી જ ટ્રેન્ડ ભાજપ તરફેણમાં જોવા મળ્યો હતો. જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ, ઈવીએમ ખૂલતાં ગયાં એમ એમ ગુજરાતમાં ભાજપ ઈતિહાસ રચવાને આરે પહોંચવા લાગ્યો હતો.20 જુલાઈ 2020થી સીઆર પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ માત્ર બે વર્ષના સમયમાં કર્યું છે. તેમનાં બે વર્ષના સમયગાળાના મહત્ત્વના નિર્ણયો લીધા છે. તો, 21 જુલાઈ 2020ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સીઆર પાટીલે સંગઠનને મજબૂત કરવા કામગીરી હાથ ધરી. 28 જુલાઈ 2020ના રોજ દેશના વડાપ્રધઆન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ તેમણે પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત સાથે જ સી.આર. પાટીલ દ્વારા સંગઠન કાર્યકરોને સાંભળવા પહેલો નિર્ણય 19 ઓગસ્ટના રોજ કર્યો, જે અંતર્ગત 25 ઓગસ્ટથી સરકારના એક મંત્રી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રારંભ કર્યો હતો.ગત 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2020ના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત સી.આર. પાટીલે સોમનાથ મંદિરનાં દર્શન સાથે કરી હતી. આ જ પ્રવાસમાં પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામ ખાતે તેમની રજત તુલા કરવામાં આવી હતી. જ્યારે તેમણે 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસનનો પ્રારંભ અંબાજી ખાતે દર્શન કરી કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ઊંઝા ઉમિયાધામ અને વાળીનાથ ખાતે સીઆર પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન જ તેમણે કોરોનાગ્રસ્ત થયા અને 9 સપ્ટેમ્બરના રોજ અપોલો હોસ્પિટલમાં દાખલ થયા. સૌરાષ્ટ્, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રવાસની સાથે જ તેમણે ભાજપના કાર્યકરોમાં જોશ પૂરવાનું કામ કર્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં કાર્યકરો તો સીઆર પાટીલની વર્કિંગસ્ટાઇલથી જાણીતા જ હતા. 24 સપ્ટેમ્બર 2020ના રોજ પેજ સમિતિ કાર્યક્રમનો પ્રારંભ કરી રાજ્યમાં આવેલી 8 વિધાનસભાની પેટાચૂંટણી તૈયારીનો પ્રારંભ કર્યો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020ના રોજ 8માંથી 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભગવો લહેરાવામાં સફળ રહી. પહેલી વખત ડાંગ જેવી વિધાનસભા પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી. પેટાચૂંટણી પૂર્ણ થતાં જ 9 નવેમ્બર 2020ના રોજ સીઆર પાટીલ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી. તો 7 જાન્યુઆરી 2021ના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુૂક કરવામાં આવી. ત્યાર બાદ રાજ્ય સભા બે બેઠકની ચૂંટણી પણ બિનહરીફ રીતે જીત મેળવી હતી.

ગુજરાત ભાજપ સંગઠનમાં પેજ સમિતિને જો મજબૂત કરવામાં આવે તો એનો સીધો ફાયદો પાર્ટીને થશે, આવાં નિવેદન અનેકવાર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અનેક જિલ્લા સંગઠનની મુલાકાત અને બેઠક દરમિયાન કર્યા હતા. અંતે, જ્યારે હવે વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં છે ત્યારે પેજ સમિતિની મજબૂતી જ ભાજપને ઐતિહાસિક જીત અપાવી શકી હોય એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.કોરોનાકાળમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની વરણી કર્યા બાદ આજ દિવસ સુધી, એટલે કે સતત 52 મહિના સુધી સીઆર પાટીલે રાજ્યમાં સંગઠન સ્તરે પાયા સુધી મહેનત કરી અને એને વધુ મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરી. આમ, સતત 52 મહિનાની મહેનતને અંતે ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.