ગુજરાતમાં પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે અનેક કૃષિલક્ષી નિર્ણયો લેવાઇ રહ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત રૂપિયા એક લાખ કરોડની ધિરાણ સુવિધાની શરૂઆતની અને ’પીએમ કિસાન યોજના’ હેઠળ છઠ્ઠી વખતની આર્થિક સહાય સ્વરૂપે દેશનાં ૮.૫ કરોડ ખેડૂત પરિવારોને ડિબિટી દ્વારા રૂ.૧૭,૦૦૦ કરોડ ટ્રાન્સફર કરવાની કરેલ જાહેરાતને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવકારી હતી.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપાની સરકાર બની ત્યારથી જ કેન્દ્ર સરકાર દ્વારા ગામડું, ગરીબ અને કિસાનને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ હિતકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
ઉદ્યોગો માટે આજે જેમ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે તે જ પ્રકારનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ ક્ષેત્રે પણ સ્થાપિત થાય, દેશના ખેડૂતોએ પોતાનો પરસેવો પાડીને ઉપજાવેલું ધાન યોગ્ય સંગ્રહ વ્યવસ ન હોવાના કારણે બગડી ન જાય અને ખેડૂતોને પોતાની પેદાશના યોગ્ય ભાવ મળી રહે તે માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેતપેદાશોના ભંડારણ માટે આધુનિક વેરહાઉસ, કોલ્ડ ચેઈન સ્ટોરેજ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત રૂપિયા એક લાખ કરોડની જાહેરાત કરી છે તેનાથી અવશ્યપણે રાજ્ય સહિત દેશના ખેડૂતોને ફાયદો થશે. વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રઆ યોજના અંતર્ગત દેશના ૮.૫ કરોડ ખેડૂત પરિવારો ને ૧૭,૦૦૦ કરોડ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવાની ઘોષણા કરવામાં આવી છે. પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીના સમયમાં લોકડાઉન માં પણ કેન્દ્રની ભાજપા સરકારે અનેકવિધ સહાય કરી છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે ખડેપગે ઊભી છે, દેશનો નાનામાં નાના ખેડૂતને સમૃદ્ધિ તરફ લઈ જવા માટેની પ્રતિબદ્ધતા સાથે અવિરતપણે કાર્ય કરી રહી છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે અનેક કૃષિલક્ષી નિર્ણયો લેવાઈ રહ્યા છે.