પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્ર દિવસે ધ્વજવંદન અને પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા: અશ્વ પરેડ અને ડોગ-શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભવ્ય પરેડ યોજાઈ હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા વિવિધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ યોજાયેલી અશ્વ પરેડ અને ડોગ-શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમમાં જ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્ત્વની કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, દેશમાં આજે 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત પોલીસ હેડક્વાર્ટરનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ તકે પ્રજાનો પોલીસ ઉપર વિશ્વાસ વધે તે પ્રકારની કામગીરી કરવા શપથ લઈએ છીએ. સમગ્ર રાજકોટને ગુનાખોરી મુક્ત બનાવવાનાં અભિયાનમાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવાની ખાતરી આપતા તેમણે કોઈપણ પ્રશ્ન માટે વિના સંકોચે પોલીસનો સંપર્ક સાધવા અપીલ પણ કરી હતી. મારી માટી મારો દેશ અંતર્ગત પોલીસ કમિશનર સહિતનાએ માટી હાથમાં લઈ સુરક્ષાનાં શપથ લીધા હતા.આ ઉપરાંત આ તકે વિવિધ પોલીસ જવાનો દ્વારા જુદી-જુદી પરેડ કરવામાં આવી હતી અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોલીસની પરેડ નિહાળી તાળીઓનો ગડગડાટ કર્યો હતો. જેમાં હોર્સ શો નામની ખાસ અશ્વ પરેડ યોજાઈ હતી. આ પરેડ દરમિયાન અશ્વ પર બેઠેલા જવાનોએ અવનવા કરતબ બતાવ્યા હતા. તો એક ખાસ ડોગ-શો યોજાયો હતો. જેમાં શહેર પોલીસના ટ્રેઇન્ડ શ્વાનો દ્વારા અવનવા કરતબો કરવામાં આવ્યા હતા. આ દૃશ્યો જોઈને લોકો અચરજમાં મુક્યા હતા.