જુનાગઢમાં ૪ દિવસીય ગૌ-સેવા વિધી સૌરાષ્ટ્ર પ્રાંતનો પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
ગૌ આધારિત ૩૫ ઉત્પાદનોની તાલીમ અપાશે
ગોબર મોબાઇલ ચીપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્તી, મચ્છર કોઇલ, ગોબર દીવા, ઘન જીવામૃત, સેન્દ્રીય ખાતર સહિત ગાયના ગોબર અને ગૌમુત્રથી ઉત્પાદીત થતી ૩૫ વસ્તુઓની ૧૧૦ જેટલા ગૌ પ્રેમીઓ હાલ જૂનાગઢ ખાતે તાલીમ મેળવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગૌસેવા ગતિ વીધી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો જુના સ્વામીનારાયણ મંદિર ખાતે શનિવારે રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયાએ ગૌ પુજન કરી પ્રારંભ કરાવ્યો હતો.
આવતીકાલે તા.૨૯ ડિસેમ્બર સુધી વહેલી સવારે ૫-૧૫ થી ભોજન વિરામને બાદ ફરી રાત્રીના ૧૦ કલાક સુધી ગૌ આધારિત ઉત્પાદનોની ગૌ પ્રેમીઓને તાલીમ અપાશે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગૌ શાળા ચલાવતા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા સાથે ગૌ પાલનમાં વિશેષ રસ-રૂચી લેતા પસંદગીથી તાલીમ લેવા આવેલ ૧૧૦ ગૌ પ્રેમીઓ માટે આ પ્રશિક્ષણ વર્ગ નવી દિશા ખોલશે. ગાયનું દુધ, ઘી, દહિં, ગૌમુત્ર અને ગોબર અર્થાત પંચગવ્યમાંથી ગોબર ચંપલ, ફોટોફ્રેમ, હુક સ્ટેન્ડ, ઘડીયાળ, વિવિધ મૂર્તિઓ સહિત ઉત્પાદીત થાય છે.
પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ડો. વલ્લભભાઇ કથીરીયાએ કહ્યું કે, ગાયથી આરોગ્ય, પર્યાવરણ, સમાજકારણ, અર્થકારણ અને ખેતી સચવાય છે. આ ગૌ માતા કામધેનુંની શક્તિ છે.
ભારતને આત્મનિર્ભર બનાવવા ખેતીને પેસ્ટીસાઇડ અને રાસાયણિક ખાતરોથી મૂકત બનાવવા સાથે ગામડા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની તાકાત ગૌ માતામાં છે. હવે એ સમય આવી ગયો છે ગાય આધારિત ખેતી સાથે ગાય આધારિત ઉદ્યોગો, કાઉ ટુરીઝમ સહિતના નવા ક્ષેત્રો ખુલ્લી રહ્યા છે. ભારત સરકારે પણ પશુપાલન વ્યવસાયને પ્રાયોરીટી સેક્ટરમાં સમાવેશ કરેલો છે.
આથી બેન્કો દ્વારા લોન મળશે. સ્ટાર્ટઅપ શરૂ થઇ શકે છે, તેમ ડો.કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું.
દાતારબાપુના દર્શન કરતા ડો.કથીરિયા
જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યામાં ગોવ સેવા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો વાલભ ભાઈ કથીરીયા એ શનિવારે દાતાર બાપુના દર્શન કરી જગ્યાના મહંત ભીમ બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે દાતારના સેવક પ્રકાશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.