- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય યોગ બોર્ડ સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. થયા: સૌ.યુનિ.ના 56માં સ્થાપના દિન નિમિતે લોકગાયક અભેસિંહ રાઠોડ, અરવિંદ બારોટ અને કલાકવૃંદ દ્વારા લોકસંગીતની સરવાણી રજૂ કરાઇ
- યુનિ.ના પ્રથમ કુલગુરૂ ડો.ડોલરરાય માંકડના પૌત્રી ડો.રૂપલબેન માંકડ તેમજ અન્ય પૂર્વ કુલપતિઓનું સન્માન કરાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપના દિવસની ઉજવણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ6 મા સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી દ્વારા સવારે 11:30 કલાકે કેમ્પસ સ્થિત સરસ્વતી મંદીર ખાતે સરસ્વતી વંદના, સરસ્વતી માતાજીનું પૂજન-અર્ચન કરી આદ્ય કુલગુરૂ ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલ હતા. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદજી તથા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કુલપતિ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે કુલપતિ તથા સર્વે કર્મચારીઓ દ્વારા મુખ્ય વહીવટી બિલ્ડીંગમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી.
સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન-જન સુધી યોગને પહોચાડવાના સંકલ્પને સાકાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન ર34 કોલેજોના એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવાનો વિશીષ્ટ કાર્યક્રમ સાંજે 6:30 કલાકે કેમ્પસ પ્લાઝા ખાતે યોજાએલ હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 56 મો સ્થાપના દિવસ મારા કાર્યકાળમાં ઉજવણી કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપનાકાળથી પ્રથમ કુલપતિ તરીકે લબ્ધપ્રતિષ્ઠિત, સાક્ષર ડો. ડોલરરાય માંકડ જેવા શિક્ષણના પાયાના પત્થરના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ વિકાસયાત્રામાં ગુજરાતના હાઈકોર્ટના જજ તરીકે જવાબદારી સંભાળતા એવા એ. આર. બક્ષી. નિવૃત કલેકટર અને સનદી અધિકારી રસિકભાઈ શુકલ જેવા કાબેલ વહીવટકર્તા તેમજ શિક્ષણ જગતમાં જેમનું મોખરાનું સ્થાન રહેલ છે તેવા જે.બી. સાંડીલ્ય, ડો. હરસુખભાઈ સંધવી, યશવંતભાઈ શુકલ, પ્રો. દેવરતભાઈ પાઠક, ડો. કે.એન. શાહ, જાણીતા કવિ ડો. સિંતાંશુભાઈ મહેતા, ડો. શંકરભાઈ દવે, ડો. જયેશભાઈ દેસાઈ, ડો. હરસીતભાઈ જોશી, ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોશીપુરા, ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. નીતિનભાઈ પેથાણી સહિતના વિવિધ પ્રકારના અનુભવ, કૌશલ્ય ધરાવતા શિક્ષણ અને અન્ય ક્ષેત્રના તજજ્ઞ અને નિષ્ણાંત કુલપતિઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક નવી ઉંચાઈઓ સર કરી છે તેમાં તમામ પૂર્વકુલપતિઓ અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારનું મહત્વનું યોગદાન રહેલ છે.
અંતમાં કુલપતિએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તથા ઉપસ્થિત પૂર્વ કુલપતિઓ તથા તેઓના પરિવારજનોને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી રાજપૂત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ સર્વ ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોષીપુરા, પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ તથા પૂર્વ કુલપતિઓના પરિવારજનો સહિતના મહાનુભાવોને મોમેન્ટો, શાલ અને પુસ્તક અર્પણ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.
56 મા સ્થાપના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે એકેડેમિક વર્ષ ર01ર-ર3ની દિનદર્શિકા પુસ્તીકાનું અનાવરણ કરવામાં આવેલ હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપનાદિન નિમિતે મને આ સમારંભમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેવાની તક મળી છે તે બદલ હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ગુજરાતમાં રાજય સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં શિક્ષણની ગુણવતા સુધરે તે માટે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, શિક્ષક તાલીમ, વિજ્ઞાન મેળાઓ સહિત અદ્યતન માળખાકિય સુવિધાઓ સહિતના બહુવિષયક આયામો દ્વારા શ્રેણીબધ્ધ પ્રયત્ન ચાલી રહયા છે. શિક્ષણએ સરકારની કે યુનિવર્સિટીની માત્ર જવાબદારી નથી પરંતુ સમાજના તમામ વર્ગોની સહીયારી જવાબદારી છે. વાઘાણીએ રાજ્ય સરકારના પ્રવેશોત્સવ અને ગુણોત્સવના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને કોલેજોના પ્રોફેસરો આ રાજ્ય સરકારના કાર્યક્રમમાં સહભાગી થાય તેવી લાગણી વ્યકત કરી હતી. વાઘાણી એ છેલ્લા થોડા વર્ષોમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ અને મહિલાઓના અત્યાચારનો ઉલ્લેખ કરી શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને સમજદારી આપવાનું કાર્ય પણ કરવા ઉપસ્થિત સૌ સારસ્વતોને અપીલ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં શિક્ષણ માટેની સર્વોતમ સુવિધાઓ અને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા કાર્યરત છે. રાજય સરકાર દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંશોધન, ઈનોવેશન, સ્કીલ ડેવલોપમેન્ટ, સ્પોર્ટસ માટેની જરૂરી યોગ્ય સુવિધાઓ પર્યાપ્ત રીતે મળી રહે એ માટે વિવિધ યોજનાઓના માધ્યમથી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પીએચ.ડી. અભ્યાસક્રમમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને રાષ્ટ્રને ઉપયોગી સંશોધનો કરે એ માટે ‘શોધ યોજના અંતર્ગત સ્કોલરશીપ’ તથા વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનેકવિધ સ્કોલરશીપ રાજય સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ, ગુજરાત રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રવતજી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાદિન નિમિતે અધ્યક્ષીય વકતવ્ય આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપના દિવસે આ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી, ઉપસ્થિત મહાનુભાવો તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારના સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. કુલપતિ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર” સ્થાપવાનો સંકલ્પ આજરોજ કરવામાં આવેલ છે એ બદલ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. દરેક વિશ્વવિદ્યાલયોમાં ગાય તથા પ્રાકૃતિક ખેતી વિશેના સંશોધનો થવા જોઈએ. આપણે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવું જોઈએ. કુલાધિપતિ એ જણાવ્યું હતું કે યુનિવર્સિટી એ રાષ્ટ્રના વિકાસમાં અગત્યનું પરિબળ છે. યુનિવર્સિટીઓના માધ્યમથી રાષ્ટ્રની, સમાજની અને વેપાર, ઉદ્યોગ, ધંધાઓની જરૂરીયાતને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમોમાં ફેરફાર કરી રાષ્ટ્રના વિકાસમાં યુનિવર્સિટીઓ યોગદાન આપી શકે છે. શિક્ષણનનું રોજગારી સાથે લીંકઅપ થાય અને શિક્ષિત યુવાનો રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર રહે તે સમયની માંગ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ શિક્ષણની જ્યોત જલાવી 55 વર્ષ પૂર્ણ કરી 56 મા વર્ષમાં આજે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આ યુનિવર્સિટીને સર્વોચ્ચ સ્થાન પર લઈ જનાર પૂર્વ કુલપતિઓ તથા પૂર્વ કુલપતિઓના પરિવારજનો આજે ઉપસ્થિત છે. હું એ સૌના કાર્યોની પણ નોંધ લઉં છું. સૌના સહીયારા પ્રયાસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના હિતમાં અવિરત કાર્ય કરી રહી છે.
પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજ વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ જોઇ શકશે: ડો.ગીરીશ ભીમાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપના દિન નિમિતે કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રશ્ર્નપત્ર લીક થાય કે માસ કોપી કેસ જેવી ઘટના ન બને અને પારદર્શકતા પરીક્ષા યોજાય તે માટે યુનિવર્સિટી પરીક્ષા સમયે સંલગ્ન કોલેજો પાસેથી સીસીટીવીના યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મંગાવશે અને તમામ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી માત્ર યુનિવર્સિટી જ નહિં પરંતુ વિદ્યાર્થીઓ પણ જોઇ શકશે. સાથે જ ભાષા ભવન માટે રૂ.3 કરોડની ગ્રાન્ટ આવી હોવાનું ડો.ભીમાણીએ જણાવ્યું હતું.
માતૃસંસ્થાની વંદનાના આ અવસર પર ઉપસ્થિત રહી પ્રશંન્નતા અનુભવું છું: ડો.કનુભાઇ માવાણી
સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંત, શૂરા, શિક્ષણ અને ઉદ્યોગની ભૂમિ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ધરમપુરના ઉતારામાંથી શરૂ થઇને આજે આ વિશાળ પરિસરમાં શિક્ષણની જ્યોત જલાવી વિદ્યાર્થીઓના અવિરત વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે માતૃસંસ્થાની વંદનાના આ અવસર પર ઉપસ્થિત રહી પ્રશંસન્નતા અનુભવું છું. આ યુનિવર્સિટીને અગ્રેસર લઇ જવા માટે તમામ કુલપતિઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.
ગૌ કૃષિ વિદ્યાકેન્દ્રની સ્થાપના થશે એ સરાહનીય બાબત છે: ડો.પ્રતાપસિંહ ચૌહાણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સ્થાપના દિવસ નિમિતે પૂર્વ કુલપતિઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પૂર્વ કુલપતિઓના સન્માન કરવામાં આવ્યા આ બાબતથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. તમામ કુલપતિઓનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. આગામી દિવસોમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સ્થાપના આ યુનિવર્સિટીમાં થશે તે ખૂબ જ સરાહનીય બાબત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વિશ્ર્વ ફલક પર ગુંજશે: ડો.કમલેશ જોષીપુરા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌ.યુનિ.ના પ્રથમ કુલગુરૂ ડો.ડોલરરાય માંકડે કંડારેલી કેડી થકી તમામ કુલપતિઓએ શ્રેષ્ઠ કામ કર્યું છે અને યુનિવર્સિટીમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે આગામી દિવસોમાં યુનિવર્સિટી વિશ્ર્વ ફલક પર ગુંજશે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશિષ પાઠવું છું.