સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય અમારા સુધી પહોંચી નથી: ગૌશાળા સંચાલક
સરકાર શ્રી તરફથી ગૌમાતા પોષણ યોજનામાં ₹500 કરોડની સહાયની જોગવાઈ કરવા છતાં આજદિન સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી તેમ જ ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળ ની હાલત દયનિય છે.સંસ્થામાં ગૌવંશનો નિભાવ ઘણો જ મુશ્કેલ બન્યો હોય તે માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે તમામ ગૌ પ્રેમીઓ એકઠા થઈ અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ કલેકટર કચેરી ખાતે આજરોજ સમગ્ર રાજકોટની ગૌશાળા,પાંજરાપોળો તેમજ ગૌપ્રેમીઓ પોતાના પશુઓને લઈ આવ્યા હતા.આવેદનપત્ર પાઠવવા જતા ગેટ બંધ કરી દેતા ગૌપ્રેમીઓ ગેટ પાસે બેસી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવી હતી.
સરકાર દ્વારા જે સહાયની જોગવાઈ કરેલી છે તે તેમના સુધી ન પહોંચતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. કોરોના બાદ દાન ખૂબ ઓછું આવતા ગૌવંશનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે અને જો આ પગલે સરકાર દ્વારા કોઈ તુરંત પગલાં લેવામાં ના આવે તો ગૌવંશને સરકારશ્રીના હવાલે કરવાની ગૌ પ્રેમીઓને ફરજ પડશે.