ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધીઓના લાભ તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ: કાઉ હગ કરવાથી માનસિક શાંતિ મળે છે, જેથી સ્વાસ્થ્ય અને પ્રસન્નતા વધે છે
અબતક,રાજકોટ
વેલન્ટાઈનડેની ઉજવણી શ્રીજી ગૌશાળા દ્વારા અનોખી રીતે કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે શ્રીજી ગૌશાળામાં ગાયોને ભેટીને બે હજારથી વધુ લોકોએ કાઉ હગ ડે ઉજવ્યો હતો. જેમાં વધુ યુવાનોએ ભાગ લીધો હતો. ગયા વર્ષની સફળતા તેમજ લોકોની માંગણી અને સરળતાને ધ્યાનમાં રાખીને 13ફેબ્રુઆરીતથા14 ફેબ્રુઆરીના રોજ શ્રીજી ગૌશાળામાં’કાઉ હગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જેમાં ગૌમાતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ’કાઉ હગ ડે’ નાં અનોખા ક્ધસેપ્ટ સાથે શ્રીજી ગૌશાળા દ્વારા પશ્ચિમી સંસ્કૃતિના આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢીના યુવાઓને ગૌસંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાના ઉમદા આશય સાથે આ નવા ક્ધસેપ્ટ સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાઉ હગ કરવાથી માનસિક શાંતિ મળે છે, જેથી સ્વાસ્થ્ય અને પ્રસન્નતા વધે છે. આ સાથે શ્રીજી ગૌશાળા દ્વારા અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદેશમાં ખાસ કરીને યુરોપ અને અમેરીકામાં લોકો ગાયમાંથી પોઝીટીવ એનર્જી રૂપીયા ખર્ચીને મેળવે છે. આપણી પાસે આર્ય સંસ્કૃતિની ધરોહર ગીર ગાય જે કોરોનાના સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબીત થઈ છે તે ખૂબ સહજતાથી અને ગામો ગામ ઉપલબ્ધ હોય ત્યારે ગૌમાતાનું ધાર્મિક સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, તબીબી, આરોગ્ય મુલ્ય પણ આપણે સૌ સમજવું જોઈએ. ગયા વર્ષે પણ શ્રીજી ગૌશાળા દ્વારા આ અભિનવ પ્રયોગ સમગ્ર વિશ્વમાં પ્રથમવાર કરવામાં આવ્યો હતો, જેને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી અને હજારો લોકો ગૌમાતાનાં દર્શન અને તેમને ભેટીને આશીર્વાદ લેવા પધાર્યા હતાં.
શ્રીજી ગૌશાળાની આ પ્રવૃતિઓને નિહાળીને આ વર્ષે રાજકોટની ઘણીબધી ગૌશાળાઓએ કાઉ હગ ડે ઉજવ્યો હતો. આ વર્ષે પણ કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખીને તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને આ પ્રકારના દિવ્ય કાર્યક્રમનું આયોજન શ્રીજી ગૌશાળા પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ભારતની તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સરકારની કોરોના ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે કરવાનું સુચન પણ કરવામાં આવ્યું હતું. જેથી યુવા પેઢીને ગૌમાતાનું મહત્વ સમજાય અને આપણી ગૌ સંસ્કૃતિ જળવાઈ રહે. તેમજ સૌ ગૌમાતાના આશીર્વાદથી પોતાના તન, મન, ધનથી આગળ વધી શકે. ગૌ સંસ્કૃતિને જીવંત કરવાના આ દિવ્ય કાર્યને સફળ બનાવવામાં શ્રીજી ગૌશાળાના દાસભાઈ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી