છાશવારે સર્જાતા વેક્સિનના ધાંધીયાથી લોકોમાં ભારે રોષ: પુરતો જથ્થો ન ફાળવાતા મહાપાલિકાનું તંત્ર પણ લાચાર
રાજકોટને રાજ્ય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કોરોનાની વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે વેક્સિનેશનની કામગીરી પર અસર પડી રહી છે. કોવિશિલ્ડનો જથ્થો ફરી ખલાસ થઈ જતાં આજે 21 સેશન સાઈટ પર માત્ર કો-વેક્સિનનો બીજો ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી હતી. છાશવારે વેક્સિનેશનના ધાંધીયાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ મહાપાલિકાનું તંત્ર પણ લાચાર થઈ ગયું છે.
કોરોનાને નાથવા માટેનું હાથવગુ હથિયાર એકમાત્ર વેક્સિનેશન છે. શહેરમાં વેક્સિનેશનની કામગીરી 94 ટકા આસપાસ પહોંચી જવા પામી છે અને તંત્ર હવે 100 ટકા ટાર્ગેટ સિધ્ધ કરવા આગળ વધી રહ્યું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો નથી.
છેલ્લા બે દિવસથી રાજકોટને કોવિશિલ્ડના ડોઝની ફાળવણી કરવામાં ન હોવાના કારણે આજે 21 સેશન સાઈટ પર કો-વેક્સિનનો બીજો ડોઝ લોકોને આપવામાં આવ્યો હતો. જે નાગરિકોએ કો-વેક્સિન લીધાના 28 દિવસ થઈ ગયા હોય તેને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનના ધાંધીયાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
મહાપાલિકાનું તંત્ર પણ વેક્સિનનો પુરતો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે લાચાર બની ગયું છે. કો-વેક્સિનની માંગ ખુબજ ઓછી રહે છે. જ્યારે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે હજુ હજારો લોકો રાહ જોઈ રહ્યાં છે છતાં સરકાર વેક્સિનેશન ઝુંબેશને વેગવંતુ બનાવવાની વાતો કરે છે પરંતુ પુરતો જથ્થો ફાળવતું નથી જેના કારણે સ્થિતિ વણસી રહી છે.