નિલકંઠ, આયુષ, સૌરાષ્ટ્ર, દેવ, શાંતિ, ક્રિષ્ના, હોપ, જીનેસીસ, સેલસ, રંગાણી અને પરમ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની નાના-મોટી ક્ષતિઓ માલુમ પડી
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટનાના પગલા દેશભરમાં પડ્યા છે. હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગમાં પાંચ વ્યક્તિઓના જીવનદીપ બુઝાઈ ગયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તપાસ સમીતીની રચના કરી છે. સરકારના આદેશ બાદ ગત શનિવારે કોર્પોરેશન દ્વારા શહેરની 24 હોસ્પિટલોમાં ફાયર સેફટી, ઈલેકટ્રીક સેફટી અને હેલ્થ પરમીશન અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોટાભાગની કોવિડ હોસ્પિટલો જાણે જીવતા બોમ્બ બનીને ઉભી હોય તેવું લાગી રહ્યું છે. 24 પૈકી 11 કોવિડ હોસ્પિટલોને ફાયર સેફટીમાં ક્ષતિ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન આજથી કોર્પોરેશનની ફાયર બ્રિગેડની શાખાની બે ટીમો દ્વારા શહેરમાં તમામ પ્રકારની હોસ્પિટલ અને ક્લીનીકોમાં ફાયર સેફટીનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું કે, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યભરમાં તમામ કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગનો આદેશ આપ્યો હતો જે અંતર્ગત ગત શનિવારે કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ વિભાગ, રોશની વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ચાર ટીમો બનાવી શહેરમાં આવેલી એક સરકારી કોવિડ હોસ્પિટલ અને 23 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તમામ હોસ્પિટલો પાસે ફાયરનું એનઓસી છે છતાં ફાયર સેફટીમાં નાની-મોટી ક્ષતિઓ જોવા મળી હતી જેમાં ક્યાંક વેન્ટિલેશનનો અભાવ દેખાયો હતો તો ક્યાંક એક્ઝિટમાં દબાણ હોવાનું માલુમ પડ્યું હતું. ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ સ્ટાફને વિકટ વેળાએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનું પર્યાપ્ત જ્ઞાન ન હોવાનું જણાયું હતું. ફાયર સેફટીમાં ક્ષતિઓ સબબ નિલકંઠ કોવિડ હોસ્પિટલ, આયુષ કોવિડ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ, દેવ કોવિડ હોસ્પિટલ, શાંતિ કોવિડ હોસ્પિટલ, ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ, હોપ કોવિડ હોસ્પિટલ, જીનેસીસ કોવિડ હોસ્પિટલ, સેલસ કોવિડ હોસ્પિટલ, રંગાણી કોવિડ હોસ્પિટલ અને પરમ કોવિડ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી.
કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ અંગેનો રિપોર્ટ શનિવારે રાત્રે જ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો હતો. દરમિયાન જે 11 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તે પૈકી 2 હોસ્પિટલોએ ફાયર સેફટીમાં ક્ષતિ દૂર કરી દીધી હોવાનું પણ રિપોર્ટ મહાપાલિકાને આપી દીધો છે. તેઓએ ઉમેર્યું હતું કે, ફાયર બ્રિગેડ શાખા દ્વારા છેલ્લા 2 મહિનાથી શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં ફાયર સેફટીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 200 હોસ્પિટલોમાં ચેકિંગ દરમિયાન 58ને નોટિસ પણ આપવામાં આવી છે. આજથી બે ટીમો દ્વારા શહેરની તમામ જનરલ હોસ્પિટલ અને કલીનીકોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અગાઉ જે 58ને નોટિસ પાઠવવામાં આવે છે તેની પાસેથી પણ હવે ખુલાસો માંગવામાં આવશે.