મનપા દ્વારા નિમણુંક કરવામાં આવેલા કોવિડ કો-ઓર્ડીનેટર દ્વારા કોરોના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
કોરોના સામે લડત આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૧૧૦૦ થી વધુ કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવામાં આવી છે. મનપા દ્વારા નિયમિત શહેરમાં વિવિધ કામગીરી થઇ રહી જ છે તેમની સાથે કોવિડ કો-ઓર્ડીનેટરો પણ પોતાના વિસ્તારની કાળજી લઇ લોકોને કોરોના અંગે માર્ગદર્શન અને લોકોમાં કોરોના અંગે જાગૃતતા આવે તે માટે કામગીરી કરી રહ્યા છે, પોતાના વિસ્તારના લોકો માટે કોરોના ચેકઅપ કેમ્પનું આયોજન તેમજ મહાનગરપાલિકા સંચાલિત ધનવંતરી રથ સાથે રહીને ઘરે ઘરે જઈને લોકોને કોરોના અંગે જાગૃતતા કેળવવાની પણ કોવિડ કો-ઓર્ડીનેટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટને કોરોના મુક્ત બનાવવા માટે મનપા સાથે કોવિડ કો-ઓર્ડીનેટરોનો પણ બહોળો સહયોગ મળી રહ્યો છે. વિવિધ વિસ્તારો, બિલ્ડીંગ, સોસાયટીઓ, શેરીઓ વિગેરેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૧૦૦ થી વધુ કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરી જે-તે વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કો-ઓર્ડીનેટર દ્વારા ડોકટરોના સહયોગથી પોતાના વિસ્તારના લોકો માટે કોરોના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. સાથોસાથ ધનવંતરી રથ સાથે ઘેર ઘેર જઈને લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા અને આયુર્વેદિક દવા લેવા અપીલ તેમજ પલ્સ, ઓક્સીજન લેવલ, ટેમ્પરેચર ચકાસણી જેવી કામગીરીમાં પણ સહયોગ આપે છે.
હાલ શહેરમાં કોરોના અંગે જાગૃતતા વધુ જોવા મળી રહી છે, જેમ કે, શહેરના તનિષ્ક એપાર્ટમેન્ટમાં પોતાનું જ ઓક્સીમીટર ખરીદી ફ્લેટ ધારકોની નિયમિત ઓક્સીજન લેવલ અને પલ્સ ચકાસણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. એપાર્ટમેન્ટમાં અવર જવર કરાતા દરેક લોકોની હેલ્થ ચકાસણી કરવામાં આવે છે. જેનાથી કોરોના પોઝિટિવ કે કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિથી અન્ય લોકોને ચેપ લાગતો અટકાવી શકાય છે અને જે-તે વ્યક્તિને કોરોનાની સારવાર આપવાનું ચાલુ કરાવી શકાય છે.