કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે સજ્જ બનતું તંત્ર : શહેરમાં કુઓ ૧૯૧૩ બેડની વ્યવસ્થા થઈ
કલેકટરે સ્થળ વિઝીટ લીધા બાદ કોવિડ કેર સેન્ટર તરીકે સમરસ હોસ્ટેલને ફાઇનલ કરી, ગ્રામ્ય પ્રાંત નોડેલ તરીકે જવાબદારી સંભાળશે
રાજકોટ જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે દર્દીઓની વધતી જતી સંખ્યા સામે સારવાર પણ ઉપલબ્ધ કરાવવી તંત્ર માટે પડકારરૂપ બની છે. જેથી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. અને આ જગ્યાએ ૧૦૦૦ બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. દરરોજ જે કેસો સામે આવી રહ્યા હતા. હાલ તેનાથી બેથી ત્રણ ગણા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે વધતા જતા કેસોને ધ્યાને લઈને ભવિષ્યમાં જો પરિસ્થિતિ વણસે તો તેના ઉપર કાબુ મેળવવા તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. જેમાં તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા પાંચ ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ જાહેર કરવામાં આવી હતી. વધુમાં તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા કોવિડ કેર સેન્ટરની પસંદગી માટે યુનિવર્સિટી ખાતે ત્રણ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આજરોજ સમરસ હોસ્ટેલને ફાઇનલ કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં ૧૦૦૦ જેટલા બેડ ગોઠવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં સમરસ હોસ્ટેલના ૧૦૦૦ બેડ ઉમેરાતા ૧૯૧૩ બેડની સુવિધા ઉપલબ્ધ થવાની છે. બેડની વિગતો જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં ૩૫૦ બેડ, સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં ૪૫ બેડ, પરમ હોસ્પિટલમાં ૩૦ બેડ, ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ૫૦ બેડ, ન્યુ વિન્ગ વોકહાર્ટ હોસ્પિટલ, ઉદય કોવિડ હોસ્પિટલ, કર્મયોગ હોસ્પિટલ, એચ.સી.જી.હોસ્પિટલ અને શ્રેયશ કોવિડ હોસ્પિટલ આ પાંચ હોસ્પિટલમાં ૧૪૮ બેડ, બી.જી. ગરૈયામાં ૧૭૦ બેડ, રેનબસેરામાં ૧૦૦, મોરબી રોડ ઉપરના કોમ્યુનિટી હોલમાં ૭૦ અને સમરસ હોસ્ટેલમાં ૧૦૦૦ બેડનો સમાવેશ થાય છે.
કોવિડ કેર સેન્ટર બેડની સંખ્યા
સિવિલ હોસ્પિટલ ૩૫૦
આઠ ખાનગી હોસ્પિટલ ૨૭૩
બી.જી.ગરૈયા ૧૭૦
રેન બસેરા- મોચી બજાર ૧૦૦
સમરસ હોસ્ટેલ ૧૦૦૦
કોમ્યુનિટી હોલ, મોરબી રોડ ૭૦
કુલ ૧૯૧૩