કાલથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી ફરી વાતાવરણમાં પલ્ટો આવશે. કાલથી ત્રણ દિવસ રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. શનિવારથી ગરમીનું જોર વધશે જો કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.
રાજસ્થાનમાં સાયકલોજીક સરકયુલેશન સર્જાયાના કારણે રાજયમાં કાલથી ફરી વાતાવરણ પલટાશે આવતીકાલે બુધવારે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી અને જામનગર ઉપરાંત કચ્છ જીલ્લામાં, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં માવઠુ પડશે. આગામી 30 માર્ચના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જીલ્લામાં જયારે 31મી માર્ચના રોજ સુરત, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લામાં માવઠાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
માવઠાની આગાહી વચ્ચે સોમવારે રાજયભરમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો ભાવનગરનું તાપમાન 34.3 ડિગ્રી, ઓખાનું તાપમાન 31 ડિગ્ર, પોરબંદરનું તાપમાન 33.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 36.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 36.6 ડિગ્રી, મહુવાનું તાપમાન 33.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 35.4 ડિગ્રી, ભુજનું તાપમાન 35.5 ડિગ્રી, નલીયાનું તાપમાન 34.4 ડિગ્રી અને કંડલા પોર્ટનું તાપમાન 35.1 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.