ફરિયાદ નોંધાવા ગયેલા પરિવારને આરોપીએ ફોનમાં પોલીસ મથકમાં જ દીધી ખૂનની ધમકી
જેતપુરમાં રહેતા યુવાન સાથે ફરી ધંધો શરૂ કરવા માટે તેના જ પિતરાઈઓએ ભુવા પાસે જવાના બહાને બોલાવી છરીના ઘા ઝીકી રહેંસી નાખ્યો હતો. હત્યાની ફરિયાદ કરવા ગયેલા પરિવારને આરોપીએ પોલીસ મથકમાં જ ફોન પર ખૂનની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતો જીતુભાઇ લાખભાઈ ડાભી (ઉ.વ.28) નામનો દેવીપૂજક યુવાન તેમના પિતરાઈ ભાઈઓ સાથે વાળ ખરીદ-વેચાણનો ધંધો કરતો હતો. આ દરમિયાન ધંધામાં ખોટ આવતા ધંધો ઘણા સમયથી બંધ હતો. જેથી જીતુને તેના પિતરાઈ ભાઈઓએ ધંધાની નુક્શાનીના રૂ.28 હજાર ચૂકવવાનું કહેતા હતાં.
પરંતુ જીતુને પોતાને પણ નુકશાની આવી હોવાથી તેની પાસે પૈસા ન હોય એટલે તે પૈસા ચૂકવવા અસક્ષમ હોવાનું જણાવતો હતો. બીજીબાજુ પોરબંદરના ધરમપુર પાસે રહેતો તેમના પિતરાઈ ભાઈ બાલી ઉર્ફે મહેશ ઉર્ફે ગની ડાભીએ ગતરોજ જીતુને ફોન કરીને જણાવ્યું હતું કે, જૂનો હિસાબ ભૂલીને ફરીથી વાળનો વ્યવસાય ચાલુ કરીએ અને તે માટે માતાજીની રજા લઈ લઈએ.
જેથી ધોરાજી ખાતે ભુવા પાસે દાણા જોવડાવવા માટે આવવાનું જણાવ્યું હતું. જેથી જીતુ ગતરોજ ધોરાજી ગયો અને સાંજ સુધી ન આવતા તેમની માતા શાંતિબેને ફોન કરેલ કે ક્યારે આવવાનો ત્યારે જીતુએ જણાવ્યું હતું કે, રાત સુધીમાં આવી જઈશ પરંતુ રાતે ન આવતાં જીતુને ફોન કરતા તેનો બાલીનો મોબાઈલ બંધ હતો. અને આજે સવારે મહેશ ઉર્ફે બાલીએ જીતુની પત્ની દીદીબેનને ફોન કરીને કહ્યું હતું કે, તારા પતિને મારીને પુલ નીચે ફેંકી દીધો છે જોતો હોય તો લેતી આવ. તેમ કહી પોતાનો મોબાઈલ ફરી બંધ કરી દીધો હતો.
તો બીજી તરફ આરોપી મહેશ ઉર્ફે બાલીનો આવો ફોન આવતા મૃતક જીતુના પરિવારજનો તેને શોધવા નીકળ્યા ત્યાં તેમના રહેણાંક વિસ્તાર બળદેવધારની બાજુમાં જ ધોરાજી બાયપાસ નેશનલ હાઈ વે પર રોડ કાંઠે જ એક અવાવરું ખેતરમાં છાતીમાં છરા સાથે જીતુની લાશ પડી હતી. પિતરાઈઓને જીતુની હત્યા કરી તેની છાતીમાં બે ઘા માર્યા હતા અને બીજા ઘામાં છાતીમાં ખુપેલ અવસ્થામાં જ છરો રાખી દીધો હતો. પગમાં પણ આ છરો મારી પગ કાપી નાખ્યો હતો. પોલીસને હત્યાની જાણ થતાં તરત જ બનાવ સ્થળ પર પહોંચી પંચનામું કરી લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડી હતી.
જેથી મૃતક જીતુના પરિવારજનો પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જ્યાં જીતુના ભાઈ મુકેશ ડાભી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યો હતો ત્યારે જ આરોપી મહેશ ઉર્ફે બાલીનો ફોન આવ્યો હતો અને “જો તું ફરિયાદ નોંધાવીશ તો તને પણ જાનથી મારી નાખીશ” તેવી ધમકી દીધી હતી. તેમ છતાં પણ મુકેશ ડાભીએ હિંમત રાખી આરોપીઓ જેમાં મહેશ મનસુખ ડાભી, દિનેશ બધા, દૂધીભાઈ, બલો, મુનો અને મુનિબેન સામે પોતાના ભાઈને ફોસલાવી બોલાવીને જીતુ ડાભીની હત્યા કરી નાંખવાની ફરીયાદ પોલીસને લખાવી હોવાનું જણાવ્યું હતું.