અદાલતે જિલ્લા કલેકટર, જવાબદાર અધિકારીઓ અને અગ્રણીઓને હાજર થવા હુકમ
પડધરીની મુસ્લીમ મેમણ જમાત કમીટીની મસ્જિદ અને દરગાહમાં મુસ્લીમ ધાર્મીક વિધી નમાજ અને અજાન દરમિયાન લાઉડસ્પીકર વગાડી હિન્દુ-મુસ્લીમ ધર્મના લોકો વચ્ચે કોમી વાતાવ2ણ બગાડવા સામે રાજકોટની અદાલતમાં દાવો થતા કોર્ટે જિલ્લા કલેકટર સહિતના જવાબદાર અધિકારીઓ અને હિન્દુ અગ્રણીઓને કોર્ટે હાજર થવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ પડધરી ખાતે આવેલ મસ્જિદ અને દરગાહમાં મુસ્લીમ સમાજના લોકો મુસ્લીમ ધાર્મીક તહેવારો અને દરરોજ નમાજ અને અજાન વિધી લાઉડસ્પીકરથી કરતા હોય તેમની સામે કહેવાતા હિન્દુ અગ્રણીઓએ પડધરી ખાતે મસ્જિદ પાસેની જાહેર રસ્તા ઉપર આવેલ લીંબડાના સુકા ઝાડ પાસે ઓટો કરી મેલડીમાંનો ફોટો મુકી રસ્તામાં લોખંડના થાંભલા ખોડી થાંભલા ઉપર ચારેય દિશાએ લાઉડસ્પીકર ફીટ કરી માઈક દ્વારા મુસ્લીમ સમાજની નમાજ અને અજાન વખતે જોરશોરથી ધોધટ ભર્યું સંગીત વગાડી મુસ્લીમ સમાજના લોકોની ધાર્મીક નમાજ અને અજાન વિધીમાં ખોટી રીતે અડચણ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી ઘર્ષણ ઉભું કરનાર સામે કાર્યવાહી કરવા રાજકોટ જિલ્લા કલેકટર, પડધરી મામલતદાર, પોલીસ ઈન્સ્પેકટર પડધરી અને સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ (એસ.પી.) કચેરી રાજકોટ ગ્રામ્યને અરજી કરી હતી.
તેમ છતા ગેરકાયદેસર રીતે પ્રવૃતી કરનાર સામે કોઈ કાર્યવાહી નહી થતા પડધરીના મુસ્લીમ મેમણ જમાત કમીટી અને મુસ્લીમ સમાજના પ્રમુખ હનીફભાઈ કાસમભાઈ જુણેજાએ રાજકોટની દિવાની અદાલતમાં દાવો કર્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટર, મામલતદાર પડધરી, પોલીસ ઈન્સ્પેકટર પડધરી અને સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ (એસ.પી.) કચેરી રાજકોટ અને પડધરીના કહેવાતા હિન્દુ અગ્રણીઓ પ્રદ્યુમન સાતા ઉર્ફે પદુ સાતા, ભારદવાજ સાતા ઉર્ફે દકો સાતા, યોગેશ ચાવડા, મહેશ કરશનભાઈ ડોડીયા ઉર્ફે મયો ડોડીયા, વિવેક ધર્મેન્દ્ર કપાસી (શકિત પાન), હર્ષદ ભગાભાઈ ડોડીયા, રાહુલ કોટક, નિરવ દિપકભાઈ કોટક, મિલન હરીયાણી વિગેરે સામે અટકાયતી પગલા લઈ આદેશાત્મક મનાઈ હુકમ ફરમાવવા દાવા સાથે મનાઈ હુકમની અરજી કરી હતી. જે અંગે કોર્ટે દાવો રજીસ્ટરે લઈ રાજકોટના 12 માં અધિક સીનીયલ સીવીલ જજ ડી.આર. જગુવાલાએ અરજન્ટ શો-કોઝ નોટીસ કાઢી હાજર થવા હુકમ કર્યો છે.
આ કેસમાં વાદી મુસ્લીમ મેમણ જમાત કમીટી અને સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ હનીફભાઈ જુણેજા વતી રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ એલ.વી.લખતરીયા રોકાયા છે.