મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા આરોપીના ઘરે રમવા આવેલી ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરનાર આરોપીને મોરબીની ખાસ પોકસો કોર્ટે ૨૦વર્ષની સજા ફટકારી હતી, જયારે ભોગ બનનાર પરિવારને રૂ. ૪લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

મળતી માહિતી અનુસાર મોરબી સામાકાંઠે રહેતા અને ટ્રક ડ્રાઇવીંગનો ધંધો કરતા શ્રમિકની ૩ વર્ષની બાળકી પર પડોશમાં જ રહેતા રમેશભાઈ બાબુભાઇ મારવણીયાએ દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ પરિવારની ૩ વર્ષની માસૂમ બાળકી પોતાના પડોશમાં રહેતા રમેશભાઈ મારવણીયાના ઘરે રમવા જતી ત્યારે આ બાળકી પર આ રીતે દુષ્કર્મ થશે તેવો વિચાર કોઈને ના આવે ત્યારે ગત ૨૯માર્ચ ૨૦૧૯ ના રોજ આ બાળકી પડોશમાં રહેતા રમેશભાઈના ઘરે રમવા ગઈ હતી ત્યારે આ નરાધમે બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું અને આ માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. અને બાળકીને ગુપ્તભાંગે ગંભીર ઇજાઓ થતા આ સમગ્ર બાબત ધ્યાનમાં આવી હતી.

આ સમગ્ર બાબતની જાણ થતા માસૂમ બાળકીના પિતાએ પોતાની બાળકી ઉપર દુષ્કર્મ થવાની મોરબી સીટી બી ડિવિઝનમાં રમેશ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસ ફરિયાદમાં આઇપીસી 376 કલમ અને પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી આરોપીને સખત સજા થાય એ માટે તમામ પુરાવા સાથે ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી હતી. બાળકી ઉપર થયેલા દુષ્કર્મનો કેસ મોરબીની પોક્સો કોર્ટમાં ચાલેલ ત્યારે સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને મૌખિક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા નરાધમ આરોપીને આ કેસમાં દોષિત સાબિત કર્યો હતો અને ૨૦વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ આરોપીને ૨૦હજારનો દંડ અને ભોગ બનનારના પરિવારને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.