વર્ષ ૨૦૧૯માં ચાલુ ટ્રેને શાર્પશુટરોની મદદથી પ્રદેશ ભાજપ અગ્રણીનું ઢીમ ઢાળી દીધુ’તુ: પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત ૧૪ શખસો સામે ગુનો નોંધાયો હતો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં માસ્ટર માઈન્ડ મનિષા ગૌસ્વામીની અદાલતે જામીન અરજી નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ અગ્રણી જયંતિ ભાનુશાળી ગત તા.૭-૧-૧૯ના રોજ સૈયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યાં હતા ત્યારે સામખીયાળી પાસે એસી કોચમાં શાર્પશુટરો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધી ફાયરીંગમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ગાંધીધામ રેલવે સ્ટેશનમાં મૃતક જયંતિભાઈ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ નારણ પટેલ, મનિષા ગૌસ્વામી, જયંતિ જેઠાલાલ ઠક્કર, સીદ્ધાર્થ છબીલદાસ પટેલ, સુરજીત ભાઉ અને શાર્પશુટર શશીકાંત ઉર્ફે બિટીયાદાદા કામલે અને અશરફ અનવર શેખ સહિત ૧૪ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. રાજ્ય સરકારે કેસની ગંભીરતા લઈ સીટની રચના કરવામાં આવી હતી. જેમાં ડીઆઈજી ગૌતમ પરમારના વડપણ હેઠળ ડીવાયએસપી પી.પી.પીરોજીયા તપાસ ચલાવી રહ્યાં હતા. પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.
સમગ્ર પ્રકરણમાં કાયદાકીય આંટીઘુંટી ભેદવા સરકાર દ્વારા સ્પેશીયલ પીપી તરીકે સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ અને યુવા એડવોકેટ તુષાર ગોકાણીની નિમણૂંક કરી હતી.
લાંબા સમયથી જેલ હવાલે રહેલ મનિષા ગૌસ્વામીએ જામીન પર છુટવા અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ મુળ ફરિયાદીના એડવોકેટ અને સ્પેશિયલ પીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આરોપી ખુબજ ચાલક અને ગોઠવણથી શાર્પશુટરો મારફતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. મનિષા ગૌસ્વામી કોઈપણ ગુનાના ત્યારે તેના પતિ બીમારી કે ઓપરેશનની કામગીરી કરે છે તે શંકાસ્પદ છે. જેલમાં રહીને સાક્ષી પુરાવાનો નાશ કરતી હોય તો બહાર આવ્યા બાદ શું ન કરી શકે તેવી દલીલ કરી હતી. તેમજ અલગ અલગ અદાલતોના ૧૧ ચુકાદા ટાકયા હતા. તે ધ્યાને લઈ ભચાઉના અધિક સેશન્સ જજ એચ.એફ.ખત્રીએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.