તત્કાલીન કમિશનર સામે કાર્યવાહી કરવા મુખ્ય સચિવને કોર્ટનો આદેશ
અબતક,
દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં મનપાએ બનાવેલા વિવાદિત કોમ્પલેક્ષ સામે કોર્ટે કાયમી સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે અને ખાત મુહૂર્તમાં હાજર રહેનાર તથા અન્યને ઠરાવો કરવા દોરવણી કરનાર તત્કાલ મનપા કમિશનર ત્રિવેદી સામે રાજ્યના મુખ્ય સચિવને કાર્યવાહી કરવા કોર્ટે હુકમ કર્યો છે.
જૂનાગઢનાં જોષીપરા માં સર્વે નંબર 57 પૈકી 1 પૈકી 1 ની સરકારી જમીન ગૌચર હોવા છતાં મનપાએ તેમાં જોષીપુરા વિસ્તારમાં અગાઉ જે દબાણ કામગીરી હાથ ધરાઈ હતી તે વખતના અસરગ્રસ્તોના ખર્ચે માઈક્રો શોપિંગ સેન્ટર બનાવ્યું હતુંં. સાથોસાથ મનપાા એ એવો ઠરાવ પણ કર્યો હતો કે, આ જગ્યાની માલિકી મનપાની રહેશે અને મનપા નક્કી કરે એ ભાડું દુકાનદારે ચુકવવાનું રહેશે.
જેની સામે જૂનાગઢની સિવિલ કોર્ટમાં ભાવેશભાઈ બેચરભાઈ ગઢીયા, વિનોદભાઈ ગોગનભાઈ ભાલિયા, અને પરેશભાઈ જ્યોતીન્દ્રભાઈ પટેલ એ જુનાગઢ ની કોર્ટમાં સિવિલ દાવો માંડ્યો હતો. અને દાવામાં જણાવાયું હતું કે, જૂનાગઢના જોષીપરા વિસ્તારના સર્વે નંબર 57 પૈકી 1 પૈકી 1 ની જમીન ગૌચરના હેડ નીચે સરકારના નામે ચાલે છે. જે ગૌચરના હેતુ માટે છે જેનો કોઈ વાણિજ્ય કે રેસિડેન્સિયલ હેતુ માટે ઉપયોગ થઈ શકે નહીં અને તે માટે મનપા હકદાર નથી આમ છતાં મનપા દ્વારા જમીન અંગે ગેરકાયદેસર રીતે અસરગ્રસ્તો માટે તેમના ખર્ચે માઈક્રો શોપિંગ સેન્ટર બનાવવાનું થરવાયુ છે અને આ ઠરાવમાં જગ્યાની માલિકી મનપાની રહેશે અને મનપા નક્કી કરે એ ભાડું દુકાનદાર ચૂકવવાનું રહેશે તેવો ઠરાવ કર્યો હતો જે ગેરકાયદેસર છે. સાથોસાથ કોઈપણ જાતની મંજૂરી કે પ્લાન મંજૂર કર્યા વિના આ સ્થળે બાંધકામ પણ થઈ ગયું હોવાની દાવામાં રજૂઆત કરાઇ હતી.
આ દાવા બાબતે જૂનાગઢ મનપા એ કોર્ટ ને જવાબ આપ્યો હતો કે, દાવાવાળી જગ્યાનું મનપાએ વેચાણ કર્યું નથી કે બાંધકામ માટે કોઈને કબજો સોંપાયો નથી. કારણ કે સરકારના નામે ચાલતી જમીન મનપાના નામે થઇ નથી અને મનપા સામે કેસ તેમજ દાવ કરતા પહેલા બોમ્બે પ્રોવિંસિયલ મ્યુનિસિપલ એક્ટની જોગવાઈ મુજબ ની વૈધાનિક નોટિસ દાવો કરનાર એ આપી નથી અને આ દાવો કરનારે જાહેર હિતના નામ હેઠળ પોતાના વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા દાવો કર્યો છે જેથી દાવો ચલાવવા પાત્ર નથી.
દરમિયાન આ દાવો જૂનાગઢના મુખ્ય સિનિયર સિવિલ જજ મિહિરદેવસિંહ જે. ઝાલા સમક્ષ ચાલી જતાં તેમણે કાયમી મનાઈ હુકમનો દાવો નામંજુર કર્યો હતો, અને આ સાથે જરૂરી પક્ષકારોની ખામીને લીધે દાવો મંજૂર ન થયો હોવાથી મનપાએ ખર્ચ પેટે રૂ. 50 હજાર 30 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો છે. સાથોસાથ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ત્રિવેદી દ્વારા સરકારી જમીન પર બાંધકામ કરી લેવા અન્યોને દોરવણી કરી પોતે ખાત મુહુર્ત માં હાજર રહેલ છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવને જરૂરી કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.