ભરૂચમાં ૩૭ હિન્દૂ પરિવારોને બળજબરીથી ધર્માંતરણ કરાવવા મામલે મૌલવીને દરરોજ તપાસનીશ અધિકારી સમક્ષ હાજર રહેવા સુપ્રીમનો આદેશ
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આશરે ૧૦૦ જેટલા હિંદુઓને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે મૌલવીની ધરપકડ સામે સ્ટે આપ્યો છે પણ મૌલવીને દરરોજ તપાસનીશ અધિકારી સમક્ષ હાજર રહેવા ફરમાન પણ આપ્યું છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે લાલચ આપીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં મૌલવીને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું પરંતુ સાથોસાથ જસ્ટિસ એમ.આર. શાહ અને સી.ટી. રવિકુમારની બેંચે આરોપી વરવૈયા અબ્દુલ વહાબ મેહમૂદને ૧૬ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૧૧ વાગ્યે સંબંધિત તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
ખંડપીઠે કહ્યું કે, આરોપો અને પ્રતિ-આરોપો પર જતા પહેલા અરજદારને ૧૬ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી સવારે ૧૧ વાગ્યે પૂછપરછ અને તપાસ માટે તપાસ એજન્સી/ઓથોરિટી સમક્ષ હાજર થવું પડશે. ત્યારપછી આ બાબત તેના ગુણદોષ પર વિચારવામાં આવશે.
અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે, વરવૈયા ઈસ્લામિક વિદ્વાન છે અને બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ કરે છે. મૌલવીએ ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે હિન્દૂ પરિવારોના ધર્માંતરણના ગુન્હામાં મૌલવીના આગોતરા જામીન અરજી ફગાવી દીધા હતા. હતી.
એફઆઈઆર મુજબ આરોપીઓએ કથિત રીતે ૩૭ હિંદુ પરિવારો અને ૧૦૦ હિંદુઓને આર્થિક મદદ આપીને બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હતું.
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ મૌલવી સામે ગુજરાત કન્વર્શન લો અને એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.