સહકારી મંડળીના સભ્યો અને ફડચા અધિકારીની મીલીભગત: મૃત્યુ પામેલા સભાસદો પુન: જીવીત
સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી લી.ના સભ્યો અને ફડચા અધિકારીની મિલીભગતથી 2.66 કરોડના કૌભાંડ પ્રકરણને દબાવવા માટે રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ચકચારી કેસમાં આખરે કોર્ટ દ્વારા નિવૃત ફડચા અધિકારી અને મંડળીના સભ્યો સહિત 11 વ્યકિત સામે પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. ત્યારે કરોડોની ઉચાપતમાં કાળા હાથ કરનાર સહકારી આગેવાનો અને કૌભાંડ પર પડદો પાડવા માટે ભુમિકા ભજવનાર રાજકીય નૈતાઓ સામે કાનુની પગલાં લેવામાં આવે છે કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડયું છે.
ફડચામાં ગયેલી ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી લી.નાં જેતે સમયમાં ફડચા અધિકારી અને મંડળીનાં સભ્યોએ એકબીજાની મદદગારી કરીને મંડળીનાં સભાસદોનાં સાર્વજનિક નાણામાંથી રૂા.2,66,75,000નો ગુનાહીત વિશ્વાસઘાત કરવાનાં ઈરાદે ખાસ સાધારણ સભાનાં અમુક સભ્યો મૃત્યુ પામ્યા હોવા છતાં તેમની ખોટી સહીઓ કરીને કરાવીને બોગસ અને ખોટો ઠરાવ કરવામાં આવ્યો હોવાની અને છેતરપિંડી કરવાનાં ઈરાદે બોગસ-ખોટા ઠરાવ કરેલો હોવાનું જાણવા છતાં ખોટા દસ્તાવેજ બનાવ્યા અને ખરા તરીકે ઉપયોગ કરીને જમીન ખરીદવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણાવી વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામના સભાસદ વજુભાઈ અલુભાઈ ગોહિલે લાંબી કાનુની લડાઈ શરૂ કરી હતી. તેમણે હાલ નિવૃત તે સમયનાં ફડચા અધિકારી અને સભ્યો સામે ગુનો દાખલ કરવા અંગે ગૃહ રાજ્યમંત્રીને પણ રજુઆત કરી હતી પણ રાજકીય ઓથારના કારણે ગુનો દાખલ કરવામાં આવતો ન હતો.
બાદમાં વજુભાઈ ગોહિલે સુરેન્દ્રનગરનાં વકીલ કશ્યપભાઈ બી.શુક્લ અને મૌલીક પાઠક મારફત અરજીથી સુરેન્દ્રનગર કોર્ટ સમક્ષ ફરિયાદ રજીસ્ટરે લેવા અરજી કરી હતી. ફરીયાદી વજુભાઈ તરફેનાં વકીલો દ્વારા રજુ કરવામાં આવેલા ઠોસ પુરાવા, મહત્વનાં દસ્તાવેજો અને દલીલો બાદ બીજા એડીશનલ સિનીયર સિવિલ જજ દ્વારા હાલ નિવૃત અને જે તે સમયનાં ફડચા અધિકારી સહિત 11 વ્યક્તિ સામે ગુનો દાખલ કરવાની આ અરજી ગ્રાહ્ય રાખીને પોલીસને એફ.આઈ.આર. નોંધવા આદેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફડચા અધિકારીએ ફડચામાં ગયેલા આ મંડળીને પુન: જીવિત કરવા તા.12-03-2020ના રોજ નિયમ મુજબ કાર્યવાહીને બદલે ઓફીસમાં બેઠાબેઠા અરજીની તારીખ પહેલા અવશાન પામેલા સભાસદોની બનાવટી અરજી તૈયાર કરી મંડળીને પુન: જીવિત કરવાની કાર્યવાહી શરૂ કરીને તા.23-02-2021નાં રોજ બોગસ અને ખોટો હુકમ કર્યો હતો. ત્યારબાદ આ સભ્યો સાથે મળી મંડળનાં ખાતામાં પડેલી રકમ રૂા.2,66,75,000ની જમીન ખરીદી છેતરપીંડી આચરવામાં આવી હતી તેમ વજુભાઈએ કરેલી ફરીયાદમાં જણાવ્યું હતું.
કોની કોની સામે ફરિયાદ નોંધવા આદેશ
(1) રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડા (2) રામજીભાઈ હરીભાઈ ગોહિલ (3) હરીસંગભાઈ મનુભાઈ ડોડીયા (4) લખમણભાઈ મગનભાઈ કોળી પટેલ (5) મોહનભાઈ નારાયણભાઈ ચાવડા (6) પ્રતાપભાઈ મોહનભાઈ ચાવડા (7) લાલજીભાઈ તુકારામભાઈ પટેલ (8) કરશનભાઈ નરશીભાઈ જાદવ (9) ભરતભાઈ માનસંગભાઈ ચૌહાણ (10) જેસીંગભાઈ ભવાનભાઈ ડોડીયા (11) ડી.ડી.મોરી (નિવૃત ફડચા અધિકારી)
મૃત્યુ પામેલા સભાસદોની સહી કરાઈ
ફડચા અધિકારી અને મેળાપીપણા વાળા સભ્યોએ તા.6-3-2021ના રોજ સાધારણ સભા બોલાવીને અન્ય સભાસદોને જાણ ન થાય તે રીતે કાર્યવાહી કરી અવસાન પામેલા સભાસદોની ખોટી સહીઓ કરવામાં આવી હતી. મંડળી દ્વારા ખરીદાયેલી જમીનનો અન.એ. હુકમ કલેકટરે રદ કર્યો હતો