કાર્યકર્તાઓ કુદરતે મોકલેલા ફરિશ્તા છે: સેવાના લાભાર્થી
એસોસિએશનના ૧૦૨ કાર્યકરો જરૂરતમંદોને ઘર બેઠા વિનામુલ્યે પહોંચાડી રહ્યાં છે જીવન રક્ષક દવાઓ
હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં નાગરિકો સ્ટે એટ હોમ થયા છે. તેવા સંજોગોમાં નાના-મોટા વિવિધ રોગની દવાઓ ખરીદવા રાજકોટના નાગરિકોને મેડિકલ સ્ટોરમાં જવું ન પડે અને કોઈપણ અડચણ વિના દવાઓ ઘરબેઠા મળી રહે તે માટે રાજકોટના કુરિયર અને કાર્ગો એસોસીએશન દ્વારા પ્રશાસનના સહયોગથી જીવનાવશ્યક દવાઓના જથ્થાને રાજકોટની જનતા સુધી વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે.
લોકોના જીવન માટે ઉપયોગી દવાઓ વિનામૂલ્યે તેમના ઘર સુધી પહોંચાડવાના કાર્ય વિશે વિગતવાર માહિતી આપતા મારુતિ કુરિયરના મોહનભાઇ મોકરિયા જણાવે છે કે, હાલ સોશિયલ મીડિયાના સુભગ સમન્વય થકી દવાની જરૂરિયાત ધરાવનાર વ્યક્તિ તેના વિસ્તારના મેડીકલ સ્ટોરના માલિકનો સંપર્ક કરી તેના વોટ્સએપ નંબર પર તબીબનું પ્રિસ્ક્રિપ્શન, પોતાનું સરનામું અને મોબાઈલ નંબર મોકલે છે. મેડીકલ સ્ટોરના સંચાલક આ પ્રિસ્ક્રિપ્શન અનુસાર દવાના જથ્થાને તૈયાર કરી અમારો સંપર્ક કરી અમને પ્રિસ્ક્રિપ્શન મુજબની દવાઓ તે મેળવનારનું નામ, સરનામું અને અને મોબાઈલ નંબર આપે છે. જ્યાં એસોસિયેશનમાં રાજકોટના ૧૮ વોર્ડ દીઠ ૧૨ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી છે. જે પોતાના સંબંધિત વિસ્તારના કાર્યકર્તા દ્વારા દવા મેડિકલસ્ટોર માંથી મેળવી તેના વિસ્તારના રહેવાસી સુધી સ્વખર્ચે ફ્રી હોમ ડિલિવરી કરે છે. કુરિયર અને કાર્ગો એસોસિએશનમાં કુલ ૧૦૨ જેટલા કાર્યકરો સતત રાત દિવસ સુધી કાર્યરત છે.
આ સેવાના લાભાર્થી ગીતાનગર વિસ્તારના રહેવાસી જયેશભાઈ કાકડીયા જણાવે છે કે,”મારી માતાને સ્ક્રીઝોફેનિયા છે અને મારી બાળકી દિવ્યાંગ છે. જેના ૯૦% અંગો કામ કરતા નથી. લોકડાઉનના આ સમયમાં ઘરની બહાર નીકળી શકાય નહીં અને માતાની દવા પણ પૂરી થવામાં આવી હતી. હું ચિંતામાં હતો કે દવા કઈ રીતે મેળવી શકીશ પરંતુ મારી મુશ્કેલીના આ સમયમાં કુરિયર અને કાર્ગો એસોસીએશનના કાર્યકર્તાઓ મારા માટે કુદરતે મોકલેલા ફરિસ્તા સમાન બન્યા છે. હું તેમનો અને પ્રશાસનનો આભારી છું કે તેમણે રાજકોટવાસીઓની દવાની જરૂરિયાતને સમજીને લોકડાઉના આ સમયમાં આટલી સુંદર વ્યવસ્થા કરી આપી.
રાજકોટના જ્યુબેલી ચોક વિસ્તારના ભાવેશ મેડીકલ સ્ટોરના માલિક પરાગભાઈ સોમૈયા જણાવે છે કે,”તંત્રની આ ખુબ જ સરસ વ્યવસ્થાના કારણે નાગરિકોને દવા લેવા માટે ઘરેથી બહાર નીકળવાની જરૂર જ નથી. હું તંત્રને પણ બિરદાવું છું કે જેમના સાથ-સહકાર દ્વારા આ સુનિયોજીત વ્યવસ્થા થઈ શકી છે.
કુરિયર એન્ડ કાર્ગો એસોસિએશનના એક કાર્યકર્તા સચીનભાઈ રાજાણી જણાવે છે કે,”લોકડાઉનના સમયમાં લોકોના જીવન માટે જરૂરી એવી દવાઓ માટે તેઓ હેરાન ન થાય તે માટે અમે દિવસ રાત ખડે પગે કાર્યરત છીએ. લોકો પણ મારા કાર્યથી ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. અમે જ્યારે દવા તેમને ઘરે પહોંચાડીએ છીએ ત્યારે તેઓ દુઆ આપે છે. એ જ અમારી સાચી મૂડી છે. અમે સર્વે ને અપીલ કરીએ છીએ કે સૌ ઘરમાં જ રહે અને રોગના સંક્રમણને અટકાવવામાં સાથે મળીને સરકારને સહકાર આપીએ.
કાર્ય કોઈ પણ હોય, નાનું હોય કે મોટું એ મહત્વનું નથી હોતુ. પરંતુ એ કાર્ય પાછળની વ્યક્તિની ભાવના મહત્વની હોય છે. આવી જ ઉદ્દાત સેવા ભાવના સાથે રાજકોટના કુરિયર એન્ડ કાર્ગો એસોશિએશનના ૧૦૨ કોરોના સામે લડતા વોરિયર્સ ૨૪ કલાક કાર્યરત રહી લોકોને જીવન રક્ષક દવાઓ પહોંચાડી સાચા અર્થમાં માનવ ધર્મ બજાવી રહયાં છે.