કલ્યાણપુરના ભોપામઢીમાંથી કરોડોની ખનિજ ચોરીનો પર્દાફાશ

અત્તિઆધૂનિક મશીનની મદદથી ગેર કાયદે કાચા સોના જેવી ખનિજની ચોરી કરી વિદેશ મોકલવાના ષડયંત્રમાં સંડોવાયેલા ખનિજ માફીયાઓમાં ફફડાટ

રેવન્યુ તંત્ર અને ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ ચાલતા મસમોટા કૌભાંડના સુત્રધારને ભીડવવા રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંહની કવાયત

પાશેરામાં પહેલી પુણી સમાન ખનિજ માફીયાઓને ગાંધીનગરના આકાની ઓથ?

સૌરાષ્ટ્રના પોરબંદરથી છેક દેવભૂમિ દ્વારકા સુધીના બરડા ડુંગરમાંથી મળતા કાચા સોના સમાન અતિ કિંમતી ખનિજની ચોરીના ચાલતા મસમોટા કૌભાંડનો રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે પર્દાફાસ કર્યો છે. દેવભૂમિ દ્વારકા નજીક આવેલા લીંબડીના ભોપામઢી ખાતે ચાલતી કરોડોની ખનિજ ચોરી પકડી રેવન્યુ અને ખાણ ખનિજ તેમજ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા કૌભાંડ પકડવામાં સફળતા મળી છે.

કલ્યાણપુર તાલુકાના મેવાસા નજીક ભોપામઢી ખાતે ખનિજ ચોરીનુ કૌભાંડ ચાલતું હોવાની રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહને મળેલી બાતમીના આધારે પોતાના અંગત વિશ્ર્વાસુ એવા આરઆર સેલના પી.એસ.આઇ. વી.બી.ચૌહાણ, જયદેવસિંહ જાડેજા અને શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે છેલ્લા પંદર દિવસથી ખનિજ ચોરી કૌભાંડ પકડવા મેદાને ઉતાર્યા હતા. પોલીસ સ્ટાફે ભોપામઢી ખાતે અતિ આધૂનિક મશીનની મદદથી ૬૦ થી ૭૦ ફુટ જેટલા ઉંડા ખાડા કરી અતિ કિંમતી ખનિજની ચોરી કરવાના ચાલતા કૌભાંડ જોઇ ચોકી ઉઠયા હતા.

મોટા પાયે ચાલતા કૌભાંડ પર દરોડો પાડવા માટે વધારાનો પોલીસ સ્ટાફ બોલાવ્યા બાદ ઘટના સ્થળેથી ડાડુ પીઠા કંડોરીયા, વાલા કુલજી પરમાર, ભાવેશ ગોવા સુવા, રમેશ ભીખા કરંગીયા, હીમર નગા કાંબરીયા, મારશી એભા બેલા, રતનજી હમીર મોરી અને ધાઘાભા રાયમલભા કુરાણી નામના શખ્સોની ધરપકડ કરી છે.

ડાડુ પીઠા કંડોરીયાની દેખરેખ હેઠળ ચાલતા ખનિજ ચોરી કૌભાંડ અંગે પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં દેવભૂમિ દ્વારકાના રેવન્યુ તંત્ર અને ખાણ ખનિજ વિભાગ તેમજ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ લાંબા સમયથી ખનિજ ચોરી ચાલતી હોવાનું સામે આવ્યું છે. ખનિજ ચોરી કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોના આકા ગાંધીનગર બેઠા હોવાનું અને કલેકટર તંત્રથી માડી પોલીસ સુધીના કડક અધિકારીઓની કામગીરી રફેદફે કરી દેવામાં માહીર હોવાથી તંત્ર દ્વારા દરોડા પાડવાના બદલે ખનિજ માફિયા દ્વારા મળતી હપ્તાની રકમ વધુ સારી ગણી તેરી ભી ચુપ અને મેરી ભુ ચુપની જેમ ખનિજ ચોરી ચાલી રહી છે.

તંત્રની રહેમરાહથી ચાલતા ખનિજ ચોરી કૌભાંડનો પર્દાફાશ કરવા માટે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે બીડુ ઝડયું હોય તેમ ભોપામઢી ખાતે રૂા.૧૫ કરોડની ખનિજ ચોરી પકડી અતિ આધૂનિક મશીનરી કબ્જે કર્યા છે. પોલીસ દ્વારા ખનિજ ચોરી અંગે દરોડો પાડી ગુનો નોંધ્યા બાદ દંડની રકમ ખાણ ખનિજ વિભાગ નક્કી કરતું હોવાથી કેટલી ખનિજ ચોરી થઇ તે અંગેની તપાસ ખાણ ખનિજ વિભાગને સોપી દેવી પડે છે.

પોલીસની મર્યાદિત સતા સામે રાજકીય રીતે પાવધા ગણાતા ખનિજ માફીયા પોલીસના ડર વિના અને ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ અબજો રૂપિયાની ખનિજ ચોરી કરી વિદેશ પહોચતી કરવાનું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહની ટીમ દ્વારા ભોપામઢી ખાતે પકડેલા ખનિજ ચોરી કૌભાંડ પાસેરામાં પહેલી પુણી સમાન છે. હીમશીલાની ટોચની જેમ કૌભાંડ ઉંડું ઘણું હોવાનું જાણકારો કહી રહ્યા છે. ત્યારે ખાણ ખનિજ અને કલેકટર તંત્ર કૌભાંડના મુળ સુધી પહોચી ગાંધીનગર બેઠેલા આંકા સુધી તપાસ લઇ જઇ ખનિજ માફીયાને જેલના સળીયા પાછળ ધકેલવા હિમતવાન અધિકારીની જરૂર છે. વેલડન રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહની જેમ અન્ય વિભાગના અધિકારીઓઓ હિમત દાખવે તે જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.