- DCP,ACP, PIસહિતનો કાફલો દોડી ગયાં : પોલીસે વ્યવસ્થા સંભાળી લેતા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
રાજકોટના રેલનગર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના દિવસે જ સમૂહ લગ્નોત્સવના આયોજકો ફરાર થઇ જતાં 28 યુગલો રઝળી પડ્યા હતા. સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન આજે હતા અને આજના દિવસે જેણે સમૂહ લગ્નનું આયોજન કર્યુ હતુ તે જ આયોજકો ફરાર થયા હતા જેના કારણે જાન લઈને આવેલા લોકો હેરાન થઈ ગયા હતા અને રસ્તે રઝળી પડયા હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. જો કે, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને હતાશ થઇ ગયેલા યુગલોની વ્હારે આવી તમામ વ્યવસ્થા સંભાળી લીધી હતી. પોલીસે જમણવારથી માંડી કરિયાવરની વ્યવસ્થા ગોઠવી દેતા અંતે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ જાન જાણે લીલા તોરણે પરત ફેરવી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. લગ્નના મંડપમાં જાનૈયાઓ અને વર-વધુ પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ વ્યવસ્થા જ હતી નહી અને આયોજકો ફરાર થઈ ગયા હતા,લગ્નનને લઈ નોંધણી કરાવનારાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે,આયોજકો ના આવતા લગ્ન અટકી પડયા છે,28 યુગલોના સમૂહ લગ્નનું કરાયું હતું આયોજન.
લગ્ન કરવા માટે જાનૈયાઓ પહોંચી તો ગયા પણ મહત્વની વાત તો એ છે કે ત્યાં કોઈ આયોજકો જ હાજર ન હતા. તમામ જાનૈયાઓ એક બીજાના મોઢા જોઈ રહ્યાં હતા અને ક્ધયા રડવા લાગી હતી. મામલામાં હોબાળો મચી જતાં તાત્કાલિક પ્ર.નગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાદમાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી રાધિકા ભારાઈ, પીઆઈ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. હતાશ અને નિરાશ થયેલા યુગલો અને તેમના પરિજનો લણી વ્હારે આવી પોલીસે તાત્કાલિક લગ્નમાં ઘટતી તમામ વ્યવસ્થા સંભાળી હતી અને જમણવારની વ્યવસ્થા કરી હતી. બાદમાં દાતાઓના સહયોગથી કરિયાવરની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
એક આયોજક હોસ્પિટલમાં દાખલ: ચાર ભૂગર્ભમાં ઉતરી ગયાં
ચંદ્રેશ જગદીશભાઈ છત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દિપક હિરાણી, હાર્દિક શીશાંગીયા, મનીષ વિઠ્ઠલાપરા, દિલીપ વરસડા એમ કુલ પાંચ શખ્સોએ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જે પૈકી એકપણ આયોજક હાજર નહિ રહેતા યુગલો રઝળી પડ્યા હતા. બાદમાં ચંદ્રેશ જગદીશ છત્રોલા પોતે આનંદબંગલા ચોક નજીક આવેલી રઘુવીર હોસ્પિટલમાં ટાઇફોઇડની સારવાર અર્થે ગઈકાલે બપોરે દાખલ થયાના ફોટો અને સીસીટીવી વાયરલ થયાં હતા. જો કે, રાત્રીના ચંદ્રેશને રજા પણ આપી દેવાઈ હતી. અન્ય ચાર આયોજકો પૈકી દિલીપ ગોહિલ હેડગેવાર ટાઉનશીપમાં 102 નંબર મના ફ્લેટમાં રહેતો હોય ત્યાં તાળા જોવા મળ્યા હતા. ઉપરાંત અન્ય ત્રણ આયોજકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયાં હતા.
ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન સહિત 208 આઈટમ કરિયાવરમાં આપવાની જાહેરાત
પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે મિક્ષર, સૂટકેસ, સ્વ. જગદીશભાઈ છત્રોલાએ સોનાનો દાણો, કિશોરભાઈ પટેલ વાવડીએ ચાંદીના સાકરા, સ્વ. નિરાલીબેન છત્રોલાના પરિવારજનોએ ડાયમંડ સેટ કરિયાવર સ્વરૂપે આપ્યા હતા. આ ઉપરાંત ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન સહીત કુલ 208 આઈટમ કરિયાવર પેટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આયોજકોએ વર-વધુ તેમજ દાતાઓ પાસેથી રૂ.43.41 લાખ પડાવ્યા
સમૂહ લગ્નોત્સવ માટે આયોજકોએ દરેક વર અને ક્ધયા પાસેથી 15-15 હજાર એમ કુલ 8.40 લાખ ઉઘરાવ્યા હતા. આ ઉપરાંત લંડનના રમેશભાઈ પારેખે રૂ. 15.51 લાખ, મોરબી સીરામીક ગ્રુપ દ્વારા રૂ. 6.51 લાખ, સ્વ. ગજુભા ગોહિલ(ભાવનગર) પરિવારે રૂ. 5.51 લાખ, નાથાલાલ જાદવશીભાઈ શાહ(કેન્યા) પાસેથી રૂ. 2.51 લાખ, મોરારી બાપુ પરિવાર-તલગાજરડા પાસેથી રૂ. 1.51 લાખ, વિમલભાઈ શેઠ(મુંબઈ) પાસેથી રૂ. 1.11 લાખ ઉપરાંત અઢળક લોકો પાસેથી કુલ રૂ.35,01,750 એમ મળી કુલ રૂ. 43,41,750 ઉઘરાવવામાં આવ્યા હતા તેવો સ્પષ્ટ ઉલ્લેખ કંકોત્રીમાં કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રથી માંડી અમદાવાદ સુધીના યુગલોને ભારે હાલાકી
સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં કુલ 28 યુગલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર, ગોંડલ, કોટડાસાંગાણી, ધોરાજી, માણાવદર, કેશોદ, જૂનાગઢ, વાંકાનેર, મોરબી અને અમદાવાદના યુગલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મંડપ સર્વિસને પણ રૂ. 70 હજારનો ચૂનો ચોપડ્યો : 40 ખુરશી, 30 ગાદલા ગાયબ
સમૂહ લગ્નોત્સવમાં મંડપ સર્વિસનો કોન્ટ્રાકટ નવાગામ રંગીલામાં આવેલ બુટ ભવાની મંડપ સર્વિસને આપવામાં આવ્યો હતો. કુલ 80 હજારમાં અપાયેલા કોન્ટ્રાકટ પેટે રૂ. 10 હજાર એડવાન્સમાં ચૂકવવામાં આવ્યા હતા અને બાકીના લગ્ન પૂર્ણ થયે આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જો કે, આયોજકો ફરાર થઇ જતાં મંડપ સર્વિસને પણ ધુંબો આવ્યો હતો. ઉપરાંત મંડપ સર્વિસના કર્મચારીઓના જણાવ્યા અનુસાર 40 ખુરશીઓ, 30 ગાદલા સહીતની ચીજ વસ્તુઓ જે ગઈકાલે રાત્રે જ લગ્નોત્સવ સ્થળ પર મુકવામાં આવ્યા હતા તે પણ ગાયબ હતા.