આર્ય સંસ્કૃતિ ગુરૂકુલમ અને ગાર્ડી વિદ્યાપીઠનું સંયુક્ત આયોજન
યજ્ઞ સાથે આયુર્વેદનો સમન્વય કરી ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાનું પ્રયોજન: ડો.મેહુલભાઇ આચાર્ય
અબતક-રાજકોટ
ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય તે માટે વેદો, ઉપનિષદો, શાસ્ત્રોમાં પુત્રેષ્ટિ યજ્ઞ કરવાના ઉલ્લેખ છે ત્યારે આધુનિક યુગમાં આયુર્વેદ સાથે પુત્રેષ્ટિ યજ્ઞનો સંગમ કરીને રાજકોટ, સૌરાષ્ટ્રમાં પહેલી જ વાર આર્ય સંસ્કૃતિ ગુરૂકુલમ રાજકોટ અને ગાર્ડી વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે ગાર્ડી વિદ્યાપીઠ ખાતે સવારે 9:00 વાગ્યાથી પુત્રેષ્ઠિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના દંપતિઓ જોડાનાર છે.
રામાયણમાં ઉલ્લેખ છે કે દશરથ રાજાએ પુત્રેષ્ઠિ યજ્ઞ કરીને ઉત્તમ સંતાનો પ્રાપ્ત કર્યા હતાં. આ ઉપરાંત વેદોમાં પણ એનો ઉલ્લેખ છે ત્યારે સંસ્કૃતિ ગુરૂકુલમ અને ગાર્ડી વિદ્યાપીઠે સંયુક્ત રીતે આવતીકાલે આ યજ્ઞનું આયોજન કર્યું છે. ‘અબતક’ દ્વારા આજે ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લઇ પુત્રેષ્ઠિ યજ્ઞ વિશે તલસ્પર્શી માહિતી મેળવી હતી. ગુરૂકુલમના સંચાલક ડો.મેહુલભાઇ આચાર્યએ જણાવ્યું કે પુત્રેષ્ઠિ યજ્ઞ દ્વારા ઉત્તમ સંતતિની પ્રાપ્તિ થાય એવા ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં છે અમે યજ્ઞ સાથે આયુર્વેદને સાંકળીને ઉત્તમ સંતતિ ઇચ્છુક દંપતિઓને અલગ-અલગ સેશનમાં જીવન પદ્વતિ, ખાન-પાનની રીત, વૈચારિક અવસ્થા, પંચકર્મ વગેરે વિશે માહિતી આપી આવા દંપતિઓને ત્યાં ઉત્તમ સંતતિ અવતરે એ માટે માર્ગદર્શન આપીએ છીએ.
તેમણે કહ્યું કે આ યજ્ઞમાં ભાગ લેવા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાત અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ, બંગાળ, આસામ, દિલ્હી, મધ્યપ્રદેશ વગેરે જગ્યાએથી દંપતિઓ રાજકોટ આવ્યા છે અને ગઇકાલ સાંજથી શરૂ થયેલા વિવિધ સેશનમાં ભાગ લઇ રહ્યા છે.આવતીકાલે પ્રાત:કાળથી અગ્નિહોત્ર શરૂ થશે, 9:00 વાગ્યાથી પુત્રેષ્ઠિ યજ્ઞ થશે અને 1:00 વાગ્યા સુધીમાં બધા સેશનો પૂર્ણ થશે.
‘અબતક’ સાથેની વાતચીતમાં પશ્ર્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સ્થાનિક ગુજરાતના દંપતિઓએ જણાવ્યું કે આપણું પ્રાચીન જ્ઞાન વિશ્ર્વમાં અલગ ભાત ઉભી કરનારૂં છે. શાસ્ત્રો સાથે આયુર્વેદનો સમન્વય કરીએ તો ઇચ્છીત સંતતિ પ્રાપ્ત કરી શકીએ જે તન-મનથી મજબૂત અને અનેક પેઢીઓને તારનારી તથા ભારતને વિશ્ર્વ કક્ષાએ પ્રતિનિધિત્વ કરાવી શકે એવી સક્ષમ બને.ગાર્ડી વિદ્યાપીઠના મેનેજીંગ ડિરેક્ટર જયભાઇ મહેતાએ આ યજ્ઞ માટે બધી વ્યવસ્થા કરી આપી છે અને ભવિષ્યમાં પણ તેઓ આ પ્રકારના કાર્યોમાં સાથ આપશે એવું જણાવ્યું.
‘અબતક’ પર કાલ સવારે પુત્રેષ્ઠિ
યજ્ઞનું લાઇવ ટેલિકાસ્ટ થશે
આવતીકાલે સવારે 9:00 વાગ્યે ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાનારા પુત્રેષ્ઠિ યજ્ઞનું લાઇવ ટેલિકાસ્ટ ‘અબતક’ મિડીયા દ્વારા કરવામાં આવશે. શાસ્ત્રોમાં બતાવેલ આ યજ્ઞ પહેલી જ વખત રાજકોટ-સૌરાષ્ટ્રમાં થઇ રહ્યો છે ત્યારે લોકોને લાઇવ ટેલિકાસ્ટમાં જોડાવા અપિલ છે.
જીવંત પ્રસારણ જોવા માટે…
‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. 561
ડેન નંબર 567
સેવન સ્ટાર (મુંબઇ) 97
રીયલ જીટીપીએલ 350
ફેસક્બુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે