કોંક જણે તો કરવું પડશે ભાઈ! મહાજનો વિચારે તૂર્ત
અંગ્રેજીમાં એક કહેવત છે: ‘અ ચેઈન્જ ઈઝ એન અન ચેઈન્જીંગ લો ઓફ લાઈફ’ (પરિવર્તન કયારેય ન બદલી શકાય એવું શાશ્વત અને સનાતન સત્ય છે, ને તે એને કોઈ, કયારેય રોકી શકે તેમ નથી)
આપણા સમાજનો એક મહિમાભીનો તહેવાર શિવરાત્રી’ માનવજાતને જાગતા રહેવાનો જાગી જવાનો અને સતત જાગતા રહેવાનો સંદેશ આપે છે. ‘જીવ અને શિવના મોંઘેરા મિલનનો તથા આત્માના ઉદર્વગમનની અખંડ ચેતના પામવાનો સંદેશ પણ આપે છે.
માનવમાત્ર માટે જાગી જવું જ કલ્યાણ કારક છે. એ વાતની યાદ શિવરાત્રીનો તહેવાર પ્રતિવર્ષ આપે છે !આમ પણ અત્યારે આખો દેશ અને આખી દુનિયા જાગી જવા મથે છે. અને એને માટેનુ દૈવત પામવાનો પુરૂષાર્થ કરે છે.
બધું જ બદલાઈ રહ્યું છે ચારેકોર…જે જાગતા નથી અને બદલાતા નથી એ કશું જ મહત્વનું પામતા નથી.હમણા હમણા લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. સંખ્યાબંધ લગ્નોત્સવ ઉજવાતાં દ્રષ્ટિગોચર થાય છે. શહેરોમાં અને ગ્રામિણ પ્રદેશોમાં ઢોલ ત્રાંસા અને શરણાઈઓ તેમજ બેન્ડવાજાંઓની જાણે ધૂમ મચી રહી છે !આ બધામાં એવું દેખાયા કરે છે કે વર્તમાન લગ્ન પ્રથામાં યુગલક્ષી બદલાવ આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ બન્યો છે….
આપણા એક કવિએ લખ્યું છેકે, ‘કોંક જણે તો કરવું પડશે, ભાઈ !’… આપણે ઈચ્છીએ કે, આવાં કોઈક આપણા સમાજમાં નીકળી આવે અને મેદાને પડે.આપણા મહાજનો તૂર્ત આને લગતો ધર્મ બજાવવા તૈયાર થાય. આને લગતી સામૂહિક ચર્ચાઓ કરે. વિચાર વિમર્શ કરે અને પુરુષો-મહિલાઓ સર્વસંમતિથી તેમના સૂચનો આપે… આચાર સંહિતા ઘડી કાઢે અને એના પ્રમાણિક અમલનો માહોલ સર્જે.
અત્યારે લગ્ન-પધ્ધતિમાં મોટાઈ તેમજ ઝાકઝમાળભરી રોનકમાં દેખાદેખી બેકાબુ બની છે, ભોજનની વાનગીઓ પણ નવતર અને બેહદ ખર્ચાળ બની છે. અરે, કંકોતરી તેમજ નિમંત્રણ કાર્ડના ભપકા કલ્પનામાં ન આવે એટલી હદે વધ્યા છે. લગ્ન અને સત્કાર સમારંભો મધ્યમ વર્ગનાં કુટુંબોમાં રાડ પડાવી દે છે. અને એને પહોચી વળવા ‘કરજ કરવાનો આશરો લેવો પડે છે.
વરઘોડાની રંગત પાછળ પણ નાણાંકીય ભીંસનો અનુભવ થયા વિના રહેતો નથી.લાંબા અંતરના પાર્ટી પ્લોટસ આવનજાવનની હાલાકી નોતરે છે.આ બધાં પછી પણ લગ્નમાંગલ્યની અસલીઅતનું કયાંય દર્શન થતું નથી.બ્યુટિપાર્લરની હોંશ હવે બહુરાણી અને વરરાજા, એમ બંને સુધી પહોચી છે. જેનો ખર્ચ રાડ પડાવી દે એટલો આવે છે. આવી સૌન્દર્યલક્ષી અને શણગારલક્ષી રીતભાત પરણતા લોકો પૂરતી જ હવે નથી રહી આખા કુટુંબની યુવા મહિલાઓ પણ એમાં સામેલ થઈ જાય છે.
હા, લગ્નોત્સવમાં ભાગ લેતા સ્વજનો -શુભેચ્છકો પાસેથી કોઈપણ સ્વ‚પની ભેટ નહિ લેવાની પ્રથા આવકાર્ય બની શકે છે. મધ્યમવર્ગમાં થતાં લગ્નોમાં આ પ્રથા યથાવત્ રહી છે.કોઈએ સાચું કહ્યું છેકે, ‘સ્ત્રી અને પુરૂષ જુદા તે સંસાર અને ભેગા તે મોક્ષ ! લગ્નબાદ દંપતી બેમાંથી એક બની જાય અને લગ્નને બંધન સમજવાને બદલે બંનેના આત્મા એક બનીને પ્રસન્નતા પૂર્વક જીવન જીવે તો એ ‘મોક્ષ’માં જીવે છે. એમ કહેવાય…. પ્રસન્ન દામ્પત્ય એ મોક્ષની ગરજ સારે છે.
આપણા ધર્મગ્રંથમાં એમ લખ્યું છે કે, ‘યત્ર નાર્થસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા:’ (જયાં નારી પૂજાય છે, ત્યાં દેવતાનું સાન્નિધ્ય રહે છે.) આપણા પૂર્વજોએ સર્જેલી લગ્ન સંસ્થા અને લગ્ન પ્રથા લગ્ન જીવનને સુખ-સંતોષથી લીલીછમ રાખવાનું ઐશ્ચર્ય ધરાવતી હતી. દહેજ તથા ક્ધયા વિક્રય અને ઘરેડુ હિંસા કે સ્ત્રીને અબળા સમજીને તેના પર પતિની બળજબરીના તથા આધિપત્યના આટાપાટાએ આમાં બદલાવની અનિવાર્યતા સર્જી છે.
આપણા સમાજમાં સૈકાઓથી નારીઓને પતિવ્રતા રહેવાની પ્રથા રહી છે. હવે તે પુરૂષ સમોવડી બનવા લાગી છે. ભણેગણે છે. ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે અને તમામ ક્ષેત્રોમા સર્વોચ્ચ પદની અધિકારી બની છે. હજુ વર્તમાન લગ્ન પ્રથાથી માંડીને સમાજમાં યુગલક્ષી બદલાવની મજબૂત આવશ્યકતા છે. સ્ત્રીઓ જબરી ક્રાંતિ સર્જી શકે એવી સશકત બને એ સમાજના અને દેશના હિતમાં છે… દીકરી કયારેય દીકરાથી ઉતરતી નથી !