- ન્હાવા જતાં આકસ્મિક રીતે ઉંડા પાણીમાં ગરકાવ થયો કે આપઘાતનો પ્રયાસ? : તપાસનો ધમધમાટ
આજી ડેમમાં નહાવા પડેલું દંપતી ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ફાયર બ્રિગેડની ટીમે મહિલાને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી તેમજ પાંચથી વધુ કલાકથી પુરુષની શોધખોળ કર્યા બાદ પણ ભાળ મળી ન હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ થોરાળા પાસેના વિજયનગરમાં રહેતા અરવિંદભાઇ કેશુભાઇ ચૌહાણ (ઉ.41)તેમજ હિનાબેન ઉર્ફે દયાબેન (ઉ.38) આજી ડેમમાં સાંજના 6 વાગ્યાં આસપાસ નહાવા પડતા ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમે પહોંચી રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢી સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં અરવિંદભાઇ મજુરીકામ કરતા હોવાનુ અને તેને ચારેક વર્ષ પહેલા મૈત્રી કરારથી રહેતા હોવાનુ અને દયાબેનને આગલા ઘરનો એક પુત્ર હોવાનુ અને જનાના હોસ્પીટલમાં નોકરી કરતા હોવાનુ તેના પરીવારે જણાવ્યુ હતુ. ગત બપોરે હિના બેન, અરવિદભાઇ અને બે બાળકો સાથે આજીડેમે ન્હાવા ગયા હતા. ત્યારબાદ બન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાનુ જણાવ્યુ હતુ. બનાવને પગલે ફાયર બ્રિગ્રેડની ટીમે અરવિદભાઇની મોડી રાત સુધી શોધખોળ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાવના 24 કલાક પહેલા ખોખડદળ નદીમાં નહાવા પડેલા બે મિત્રોના મોત થયા બાદ વધુ એક બનાવ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
હાલ સમગ્ર બનાવ આકસ્મિક રીતે બન્યો છે કે પછી યુગલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બીજી બાજુ હજુ પણ અરવિંદભાઈની કોઈ ભાળ નહિ મળી આવતા સંભવત: મોત નીપજ્યાનું અનુમાન છે.