ઢેબર રોડ પર સિટી બસમાં ચડતી વેળાએ પટકાતા ઘવાયેલા વૃદ્ધે સારવારમાં દમ તોડયો
શહેરમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે જુદા જુદા બે સ્થળોએ થયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજિયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ગોંડલ રોડ પર ગાય આડે ઉતરતા છકડો પલટી મારી જતા કોઠારીયા સોલવન્ટનું દંપતી ખંડિત થયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજા થતાં પત્નીનું મોત નિપજ્યું હતું. તો અન્ય બનાવમાં ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે સિટી બસમાં ચડતી વેળાએ નીચે પટકાતા ઘવાયેલાં વૃદ્ધે સારવારમાં દમ તોડયો હતો.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં હાઉસિંગ બોર્ડમાં રહેતા ઉંમર ભાઈ જુણેજા પોતાની પત્ની રોશનબેન જુણેજા સાથે છકડામાં બેસીને ગંજીવાડા વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાસે છકડા આડે ગાય ઉતરતા છકડો પલટી મારી ગયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રોશનબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત નિવડતા તેમનું મોત નીપજ્યું હતું અને દંપતી ખંડિત થયું હતું. તો અન્ય બનાવમાં ન્યુ રાધે શ્યામ હોલ પાછળ રહેતા ભુપતભાઈ છગનભાઈ ગોહિલ નામના 67 વર્ષના વૃદ્ધ ગત તા.14મી જૂલાઈના કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે સિટી બસમાં બેસવા જતા નીચે પટકાયા હતા.
ગંભીર રીતે ઘવાયેલાં ભુપતભાઇ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા ભુપતભાઇ મોત નિપજ્યું હતું. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.