કોરોના માટે હોટસ્પોટ બનેલા જંગલેશ્ર્વરની મહિલાની સંડોવણી ખુલ્લી : રૂ ૩.૩૩ લાખના ૩૩ ગ્રામ હેરોઇન કબ્જે
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા સમગ્ર દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું હોવાથી પાન, ફાકી અને તમાકુ મળવા મુશ્કેલ બન્યા છે ત્યારે કોરોના માટે હોટ સ્પોટ બનેલા જંગલેશ્ર્વરની મહિલા પાસેથી રૂ ૩.૩૩ લાખની કિંમતના હેરોઇનની ખરીદી કરનાર રૂખડીયાપરાના દંપત્તીને ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે માસ્તર સોસાયટીમાંથી ઝડપી લીધા છે. કોરોનાના કારણે જંગલેશ્ર્વર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં હેરોઇન કંઇ રીતે પહોચ્યું તે અંગે વિશેષ તપાસ એસઓજી સ્ટાફે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૂખડીયાપરામાં રહેતી ફાતમા ઇમરાન પઠાણ અને તેનો પતિ ઇમરાન અનવર પઠાણ લોક ડાઉનનો ભંગ કરી એક્ટિવા પર માસ્તર સોસાયટીમાંથી પસાર થતા બંનેને પોલીસે અટકાવી પૂછપરછ કરતા તેઓ વેફર લેવા નીકળ્યાનું જણાવ્યું હતું પરંતુ તેઓ જંકશન નજીક આવેલા રૂ ખડીયાપરામાં રહેતા હોવાનું અને વેફર લેવા છેક કોઠારિયા રોડ પર માસ્તર સોસાયટીમાં કેમ આવ્યા તે અંગે પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.બી.જેબલીયા, ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. પી.એમ.ધાખડા સહિતના સ્ટાફે પૂછપરછ કરતા તેની પાસેથી રૂ ૩.૩૩ લાખની કિંમતનું ૩૩ ગ્રામ હેરોઇન મળી આવતા પોલીસ સ્ટાફ ચોંકી ઉઠયો હતો.
જંગલેશ્ર્વર વિસ્તાર કોરોના માટે હોટ સ્પોટ જાહેર કરાયું હોવાથી પોલીસનો બંદોબસ્ત વધુ ગોઠવવામાં આવ્યો છે ત્યારે તમાકુની પડીકી મેળવવી મુશ્કેલ બની છે ત્યારે રૂ ૩.૩૩ લાખની કિંમતનું હેરોઇન જંગલેશ્ર્વરના નામચીન પરિવારની સલમા ઉર્ફે ચનુડી બસીર સંધી અને ભુરા નામના શખ્સે વેચાણ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સલમા ઉર્ફે ચનુડીના પરિવારની હલીમા અને જુબા ડોસી સહિતની મહિલાઓ ચરસ અને ગાંજા સાથે ઝડપાતા જેલ હવાલે થતા તેનો ડ્રગ્સનો વ્યવસાય સલમા ઉર્ફે ચનુડીએ સંભાળી લીધો હોય તેવી શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.
૩૩ ગ્રામ હેરોઇન સાથે ઝડપાયા રૂ ખડીયાપરાની ફાતમા અને તેનો પતિ ઇમરાન પઠાણની પૂછપરછમાં તેને જંગલેશ્ર્વરની સલમા ઉર્ફે ચનુડી પાસેથી હેરોઇન ખરીદ કર્યાની અને ભુરા નામનો શખ્સ વેફરના પેકેટ સાથે હેરોઇન આપી ગયાની કબુલાત આપતા એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. એમ.એસ.અંસારી અને હેડ કોન્સ્ટેબલ અજયભાઇ શુકલ સહિતના સ્ટાફે સલમા ઉર્ફે ચનુડી અને ભુરાની સામે પણ એનડીપીએસનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. સલમા ઉર્ફે ચનુડી ઝડપાયા બાદ તે હેરોઇન કયાંથી અને કોની પાસેથી લાવી તે અંગેની વિગત બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.