રાજકોટનાં મવડી, નાનામવા સહિતનાં વિસ્તારોમાં મધરાતે માવઠુ થતા માર્ગો ભીના થયા, સોરઠીયાવાડી સહિતનાં વિસ્તારોમાં વરસાદી છાંટા
અમદાવાદ, ગાંધીનગર, સુરત, બનાસકાંઠા, કચ્છ, દ્વારકા, તાલાલા, જેતપુર અને દિવ સહિતનાં વિસ્તારોમાં ઝરમર વરસાદ: અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ: બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી
રાજસ્થાન પર સર્જાયેલ સાયકલોનીક સરકયુલેશનના અસરતળે અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે રાજયનાં વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હતો જોકે દેશભરમાં વાતાવરણ પલ્ટાયું છે અને ઠંડી, વરસાદ, હિમવરસાદ, ગરમી અને ઝાકળ સહિતનો મારો એક સાથે જોવા મળ્યો છે. રાજયભરમાં ફાગણ શરૂઆતની જગ્યાએ અષાઢી માસ જેવો માહોલ સર્જાયો હતો. ગઈકાલે દિલ્હીમાં પણ જોરદાર વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકયો હતો જેના કારણે તાપમાનમાં પણ તિવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને લઘુતમ તાપમાન ૧૪.૪ ડિગ્રીએ પહોંચ્યું હતું. સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા જયારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ ગઈકાલે મોડી સાંજે અમદાવાદનું વાતાવરણ પણ પલટાયું હતું અને રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ ઉપરાંત રાજકોટનાં મવડી, નાનામવા સહિતનાં વિસ્તારોમાં પણ મધરાતે માવઠુ પડતા માર્ગો ભીના થઈ ગયા હતા અને સાયકલોનીક સરકયુલેશનની અસર રાજકોટમાં પણ દેખાય હતી. આઈએમડીના જણાવ્યા અનુસાર આજે પણ હળવા વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અને પવનની ગતિ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી સંભાવના વર્તાય રહી છે. એક તરફ જયાં આકરો તાપ શરૂ થાય તો કોરોના વાયરસની ભીતિ ન રહે તેવી ગણતરીઓ મંડાઈ રહી છે ત્યારે બીજીબાજુ વાતાવરણ ધાબળીયું બન્યું છે અને કમોસમી વરસાદથી રોગચાળો વકરવાની પણ દહેશત ફેલાઈ છે. સમગ્ર દેશમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે અને ઠંડી, વરસાદ, ગરમી અને ઝાકળ સહિતના મારાનો લોકો અનુભવ કરી રહ્યા છે.
વાતાવરણમાં પલ્ટાની સાથે જામનગરમાં પણ આજે વહેલી સવારે વરસાદનું આગમન થયું હતું. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે તેમજ મહિસાગર જિલ્લાનાં વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો હતો અને મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને સતરામપુર સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડયો હતો. હવામાન વિભાગનાં મત મુજબ આજે પણ ઉતર ગુજરાત, સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, દ્વારકા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠામાં પણ વરસાદી છાંટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં અનેક તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ખાંભાના ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. તાલાલામાં પણ વરસાદી છાંટા જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લાનાં મોટાબારમણ, ચોત્રા સહિતના પંથકમાં વહેલી સવારથી કમોસમી સાથે ઝાપડુ પડયું હતું. દિવમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને ઝરમર વરસાદ ખાબકયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોનિક સરકયુલેશનની અસર તળે સૌરાષ્ટ્રનાં દ્વારકા, માળીયા સહિતનાં વિસ્તારો બાદ રાજકોટમાં મધરાતે કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટુ પડતા આશ્ર્ચર્ય ફેલાયું હતું. રાત્રે ૧૨:૧૫ વાગ્યે રાજકોટનાં મવડી વિસ્તાર, નાનામવા મેઈન રોડ સહિતનાં સ્થળોએ માવઠુ થતા માર્ગો ભીના બન્યા હતા. સોરઠીયા વાડી સહિત કેટલાક વિસ્તારમાં છાંટા પડયા તે સિવાય જુના રાજકોટમાં હવામાન પલ્ટાની એવી કોઈ ખાસ અસર વર્તાય ન હતી. ઠંડો પવન પણ ફુંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે એકાદ-બે દિવસ બાદ હવામાન સામાન્ય બનશે તેમ જાહેર કર્યું હતું.