ગામડાઓ પહેલેથી આત્મનિર્ભર છે, શહેરીજનોને ગામડામાંથી અનેક શીખ મેળવવી જરૂરી
રાજકોટ પૂર્વ વિભાગના એસીપી બી.વી.જાધવ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે
ભારતની કુલ વસ્તીના 70% થી વધુ લોકોનો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ,ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં ગ્રામીણ વિસ્તારનો 50% ફાળો
ગામડાઓ જીવંત હશે જેટલા ખેડૂતો સદ્ધર બનશે તેટલુજ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે.ગ્રામીણ અર્થશાસ્ત્ર એજ દેશનું અર્થશાસ્ત્ર વિષય પર વિસ્તૃત ચર્ચા માટે રાજકોટ પૂર્વ વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવ અબતક મીડિયાની મુલાકાતે આવ્યા હતા.બી.વી.જાધવે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગામડાનું અર્થતંત્ર ધબકતું રહેશે તો જ દેશનું “અર્થતંત્ર” મજબૂત બનશે.મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવે જણાવ્યું હતું કે અર્થશાસ્ત્રનો અર્થ છે કે માનવીની આર્થિક પ્રવૃતિનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય. આ અર્થના સંદર્ભેમાં ગ્રામીણ વિસ્તાર થતી આર્થિક પ્રવૃતિને સામુહિક અર્થમાં ગ્રામીણ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાનો કોઇપણ દેશ મુખ્યત્વે બે વિસ્તારનો બનેલો હોય છે.
એક શહેરી વિસ્તાર અને બીજો ગ્રામીણ વિસ્તાર, ભારતનું અર્થતંત્ર પણ આ બે વિભાગનું બનેલુ છે. ભારત એ એક વિકાસ પામતો દેશ હોવાથી ભારતનો મોટા નો વિસ્તાર ગ્રામીણ વિસ્તાર છે. એટલે જ એમ કહેવાય છે કે ભારત એ ગામડાનો બનેલો દેશ છે. કારણ કે ભારતની કુલ વસ્તીમાંથી 92 કરોડથી વધુ લોકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. તેથી જ મહાત્મા ગાંધી પણ એમજ કહેતા સાચુ ભારત ગામડામાં વસે છે. ભારતના સમગ્ર અર્થતંત્રમાં ગ્રામીણ વિસ્તાર ખુબજ અગત્યનું સ્થાન ધરાવે છે.
ભારતના આર્થિક વિકાસમાં ગ્રામીણ અર્થતંત્ર કઈ રીતે અગત્યનું છે તેની આપણે વાત કરીએ તો ભારતની કુલ વસ્તીમાંથી 70 % થી વધુ લોકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે અને ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં ગ્રામીણ વિસ્તારનો આવકનો ફાળો 50% જેટલો છે.
ગ્રામીણ લોકોની ખરીદ શક્તિમાં વધારો થતાં ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં ગામડાના લોકોની માંગ વધી
છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં થયેલા કૃષિ વિકાસ અને ગ્રામોદ્યોગોના વિકાસના પરિણામે ગ્રામીણ વિસ્તારના લોકોની માથાદીઠ આવકમાંસારા એવા પ્રમાણ વૃધ્ધિ થયેલ જોવા મળે છે તેના પરિણામે ગ્રામીણ વિકાસના લોકોની ખરીદશક્તિમાં ખૂબજ વધારો થયેલ છે. ગ્રામીણ લોકોની ખરીદ શક્તિમાં થયેલ વધારાના કારણે ગ્રામીણ વિસ્તારમાં હવે ટી.વી., ફ્રીજ, વોશીંગ મશીન, મોટર સાઇકલ, કાર, મોંઘા કપડા જેવી અનેક મોજશોખ વસ્તુની માંગ ઉભી થયેલ છે. જેના કારણે ભારત અને વિદેશી કંપનીઓ અત્યારે ગ્રામ્ય વિસ્તાર બજાર પર ખૂબજ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભાતરના ઔદ્યોગિક ક્ષેત્રેઉત્પાદીત થતી દરેક વસ્તુને ગ્રામીણ લોકોએ બજાર પુરૂ પાડ્યું છે. તેથી ભારતનો ઔદ્યોગિક વિકાસ ને પ્રોત્સાહન મળી રહ્યું છે. ભારતની આર્થિક વિકાસનો દર ઉંચો જળવાઇ રહ્યો છે તેનુ કારણ છે ભારતનું મજબુત ગ્રામીણ અર્થતંત્ર છે. ગ્રામીણ અર્થતંત્ર વિનાના ભારતના અર્થતંત્રની કલ્પના કરવી મુશ્કેલ છે. ભારતીય અર્થતંત્રમાંથી જો ગ્રામ્ય અર્થતંત્રને ખસેડી લેવામાં આવે તો ભારતના આર્થિક ક્ષેત્રમાં શૂન્યવકાશ પેદા થઇ જાય.
ભારત આજે દુનિયાભરમાં ઝડપથી વિકસતો દેશ બન્યો
ૠઉઙ ની દ્રષ્ટિએ ભારત આજે દુનિયામાં પાંચમું સ્થાન અને ખરીદ શક્તિની દ્રષ્ટિએ દુનિયામાં ત્રીજુ સ્થાન ધરાવે છે. ભારત આજે દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતો દેશ છે. ભારત વસ્તીની દ્રષ્ટિએ અને યુવા વસ્તીની દ્રષ્ટિએ દૂનિયામાં સૌથી મોટો દેશ છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં થયેલા ઝડપી વધારાના કારણે ભારત આજે એક વિશ્વ બજાર તરીકે ઉભરી આવ્યો છે. આથી સમગ્ર દુનિયાની નજર આજે ભારતીય અર્થતંત્ર ઉપર મંડાયેલ છે. ભારતનું દુનિયામાં જે કઇ સ્થાન ઉભું થય છે તેમાં ગ્રામીણ અર્થતંત્રનો ખૂબજ અગત્યનો ફાળો છે.
ભારતનું ગ્રામ્ય અર્થકારણ એ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ
ભારતીય અર્થતંત્રમાં ગ્રામીણ અર્થતંત્ર સૌથી અગત્યનું હોવા છતાં એક વાસ્તવિકતા એ છે શહેરી વિસ્તારના લોકોની માથાદીઠ આવકની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની માથાદીઠ આવક ખૂબજ નીચું જોવા મળે છે. તેમજ રોડ, રસ્તા,પાણી, વીજળી, સંદેશાવ્યવહાર, અને વાહન વ્યવહાર જેવી આંતરમાળકીય સુવિધાઓનો ખૂબજ ઓછો વિકાસ થયેલ છે. તેથી ગ્રામીણ વિકાસ માટે આ એક સૌથી મોટા અવરોધ ગણી શકાય. પરંતુ આપણે એ વાત સ્વીકારવી જ પડશે કે જો ભારતના સમગ્રલક્ષી અને સંકલિત વિસ્તાર કરવો હશે તો ભારતના ગામડાને આબાદ કરવા જ પડશે.
તેની જયા સુધી અવગણના કરવામાં આવશે ત્યાં સુધી ભારતનો સર્વસમ્મિલિત અને સંકલિત વિકાસ અધુરો રહેશે. ભારતનું ગ્રામ્ય અર્થકારણ એ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ છે. તો જો કોઇ અર્થતંત્રની કરોડરજ્જુ જ નબળી હોય તો તે અર્થતંત્રનો સંગીન વિકાસ થઇ શકે નહી. આટલી મુશ્કેલી વચ્ચે પણ આજે ભારતનું ગ્રામ્ય અર્થતંત્ર ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ધરી બનીને અડીખમ ઉભું છે. છેલ્લે એટલું જ કહીશ કે ભારતની સાચી ઓળખ જ ગામડું છે.
ભારતના કુલ કામદારો માંથી 70% કામદારો ગ્રામીણ અર્થતંત્રમાં રોજગારી મેળવી રહ્યા
રોજગારીની દ્રષ્ટીએ વાત કરીયે તો ભારતના કુલ કામદારો માથી 70% કામદારો ગ્રામીણ અર્થતંત્રમાં રોજગારી મેળવે છે. ભારતીય અર્થતંત્ર આજે પણ અલ્પવિકસિત અર્થતંત્ર છે તેથી ભારતમાં અશિક્ષિત અને બિનકુશળ લોકોમાં બેરોજગારીનું પ્રામણ વધારે છે. આવા બિનકુશળ લોકોને ભારતમાં કૃષિ અને કુટિર ઉદ્યોગમાં રોજગારી મળે છે.
ગ્રામીણ વિસ્તારમાં વિકાસ પામેલા ફટિર અને નાના પાયાના ઉદ્યોગો શ્રમપ્રધાન ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હોવાથી તેમા ખૂબજ મોટા પ્રમાણમાં રોજગારીની તકો પેદા થાય છે. આમ રીતે વિચારીએ તો ગ્રામીણ અર્થતંત્ર ભારતીય અર્થતંત્રમાં અગત્યનું સ્થાન ધરાવે છે.બીજી રીતે વિચારીએ તો ગ્રામીણ વિસ્તારમાં સ્થપાયેલા કુટિર અને નાના પાયાનો ઉદ્યોગ છૂટા છવાયા આવેલા છે તેથી પ્રદૂષણનો પ્રશ્ન પણ ઉભો થતો નથી.