મોદી સરકારે યોગ્ય આર્થિક નીતિ ન બનાવતા તેની અસર અર્થતંત્ર પર પડી રહ્યાનો કોંગ્રસના પ્રવકતા અભિષેક મનુ સિંઘવીનો આક્ષેપ
વિવિધ કારણોસર દેશનું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસે આ મુદે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરીને દેશની આર્થિક સ્થિતિ ગંભીર કટોકટી ભરી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ ગઈકાલે અર્થતંત્રની ધીમી ગતિ પર ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતુ કે દેશની આર્થિક સ્થિતિ ગંભીર કટોકટી પર છે. આ સમસ્યા પરથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા ભાજપીઓ તેમને ભ્રમિત કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂકયો હતો.
દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતુ કે દેશમાં લાંબા સમયની આર્થિક મંદી પ્રવર્તીરહી છે તેનું ઉદાહરણ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી મંદી છે. પેસેન્જર વાહનોનાં વેંચાણમાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેવો દાવો કરીને સિંધવીએ જુલાઈ ૨૦૧૮ બાદના ૧૩માંથી ૧૨ મહિના દરમ્યાન વાહનોના વેંચાણમાં સતત ઘટાડો નોંધાયાનું જણાવ્યું હતુ ઓટોમોબાઈલ ક્ષેત્રનાં વેંચાણ થઈ રહેલો ઘટાડો અર્થતંત્રની મંદીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ સિંઘવીએ ઊમેર્યું હતુ ઉલ્લેખનીય છે કે ભારતનું ઓટોમોબાઈલ ક્ષેત્ર વિશ્ર્વનું સૌથી મોટુ માર્કેટ છે. તાજેતરમાં શેરબજારના ઈન્ડેકસમાં થયેલા ધોવાણ અને નાણાંકીય ખાધ થવાનો પ્રશ્ર્નો ઉઠાવીને સિંઘવીએ જીડીપીના ઘટતા આંકડા, ઘટતી માનવ શકિત, રીયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી, ડોલર સામે રૂપીયામાં સતત જોવા મળતી નબળાઈ વિદેશી રોકાણમાં થયેલા ઘટાડા માટે મોદી સરકારની અણધડ આર્થિક નીતિને જવાબદાર ઠેરવી હતી.
સિંધવીએ મોદી સરકાર ૧ યોગ્ય આર્થિક નીતિ ઘડવામાં નિષ્ફળ નીવડી છે તેની અસરો મોદી સરકાર ૨માં જોવા મળી રહી છે તેમ જણાવીને રીઝર્વ બેંક દ્વારા રેપોરેટ ઘટાડયા બાદના આટલા દિવસો બાદ બેંકો દ્વારા કેમ વ્યાજ ઘટાડાની જાહેરાત કરવામાં આવી નથી? તેવા પ્રશ્ર્નાર્થ કર્યો હતો.
મોદી સરકારે જયારે દેશનું શાસન સંભાળ્યું ત્યારે ડોલર સામે રૂપીયો ૫૮.૭ ની સપાટીએ હતો મોદી સરકારની યોગ્ય આર્થિક નીતિના અભાવે સતત મંદ પડી રહેલા અર્થતંત્રના કારણે ડોલર સામે રૂપીયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. આજે ડોલર સામે રૂપીયો ૭૮થી નીચેની સપાટીએ પહોચી ગયો છે તે ભારતીય અર્થતંત્ર પર ગંભીર કટોકટી હોવાનું પૂરવાર કરે છે. તેમ સિંઘવીએ અંતમાં જણાવ્યું હતુ.