જિલ્લા કક્ષાના ખાસ શાળા આરોગ્ય કાર્યક્રમનો કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે પ્રારંભ કરાયો
જિલ્લા આરોગ્ય વિભાગની ૩૫૦ ટીમો દ્વારા કુલ ૪,૧૮,૩૩૩ બાળકોને આવરી લેવામાં આવશે
કોઈપણ રોગની સારવાર કરતાં રોગને અટકાવવો વધુ બહેતર છે. આ બાબતને ધ્યાને લઇને રાજયભરમાં ચાલનાર ખાસ શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું રાજકોટ તાલુકાના માધાપર ગામે પ્રા.શાળા ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૩૫૦ ટીમો દ્વારા કુલ ૪,૧૮,૩૩૩ બાળકોને આવરી લેવામાં આવશે. શાળાએ જતાં, શાળાએ ન જતાં, આંગણવાડીમાં જતાં, આંગણવાડીમાં ન જતાં, સરકારી અને પ્રાઇવેટ તમામ શાળાના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. પ્રાથમિક તપાસ બાદ સામાન્ય બિમારીમાં સથળ પર જ સારવાર આપવામાં આવશે. જયારે જરૂરીયાતવાળા બાળકોને વધુ સારવાર માટે તાલુકા કક્ષાએ મેડીકલ કોલેજની તજજ્ઞ તબીબોની ટીમ મારફતે યોગ્ય તપાસ કરીને જરૂરી સારવાર આપવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, જે દેશના બાળકો શિક્ષિત અને તંદુરસ્ત હોય તે દેશ વિકાસની બાબતમાં હરહંમેશ અગ્રેસર રહે છે. આ બાળકો આપણા રાજ્યનું અને દેશનું ભવિષ્ય છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શારીરિક, માનસિક રીતે તંદુરસ્ત રીતે રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. આ માટે રાજ્ય સરકારની સાથે જન ભાગીદારી કરીને રાજ્યના લોકોને તંદુરસ્ત આરોગ્ય પ્રદાન કરવાના ભાગરૂપે માં અમૃતમ યોજના કાર્ડ, માં વાત્સલ્ય યોજના કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંત્રી જયેશભાઈ રાદડીયાએ ગતવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત નિદાન થયા બાદ હ્દયનું સફળતાપૂર્વક ઓપરેશન કરાવનાર બાળકી આસ્થા ચૌહાણને પુષ્પ આપી હાર્દિક સ્વાગત કર્યું હતું અને સ્વાસ્થપ્રદ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને શિક્ષકો અને આંગણવાડીની બહેનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ ખાસ શાળા આરોગ્ય કાર્યક્રમમાં નાના બાળકોમાં જોવા મળતી લર્નિગ ડિસેબિલીટી જેવી કે, ડિક્સલેસિયા, ઓટીઝમ વગેરે જોવા મળે છે. શિક્ષકો અને આંગણવાળીમાં ભણતા બાળકો અંગે માતા જેટલી જ ખબર આ બહેનોને હોય છે. જો કોઈ બાળકને આવી સમસ્યાઓ હોય તો આરોગ્ય વિભાગનું ખાસ ધ્યાન દોરવુ જેથી તેના નિવારણ માટે મહત્તમ પગલાઓ લઈ શકાય. તેમજ કિશોરીઓને લગતી પોષણની સમસ્યાઓનો પણ સમાવેશ ૫ણ રાજકોટ જિલ્લા દ્વારા આ વર્ષના શાળા આરોગ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ રાણાવાસિયાએ આગામી તા. ૧ જાન્યુઆરી સુધી ચાલનારા ખાસ શાળા આરોગ્ય કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ તકે શાળાના કંપાઉન્ડમાં મંત્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજના ખાસ શાળા આરોગ્ય કાર્યક્રમ સમારોહમાં સરપંચ છગનભાઈ સંખાવરા, ભૂતપૂર્વ તાલુકા પંચાયત સભ્ય પૃથ્વીરાજસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષભાઈ ભંડેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી.વ્યાસ, શાળાના આચાર્ય હરીયાણી સહિત ગામ આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.