મિટ્ટીકુલના નિર્માતા મનસુખભાઇ પ્રજાપતિને ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરાયા
લુપ્ત થઈ રહેલી માટીકલા વચ્ચે વાંકાનેરના પ્રજાપતિએ પોતાની કોઠાસૂઝથી વિકસાવેલ માટીની થાળી, વાટકા, બાઉલ, ચમચી, કુકર, ફિલ્ટરપ્લાન્ટ અને માટીના ફ્રિજ સહિતની પ્રોડકટ દેશમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે અને આ પ્રોડકટ થકી પ્રજાપતિ યુવાન માનસુખભાઈને ગ્લોબલ એવોર્ડ પણ મળ્યો છે.
મિટ્ટીકુલ પ્રોડક્ટ્સના લીધે દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિનો તાજેતરમાં ગ્લોબલ રેકોર્ડસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ તેમજ આરોગ્ય જતનના ઉદેશ સાથે કરેલા સંશોધન બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. મનસુખભાઈએ પોતાની કોઠાસૂઝથી પોતાનો બિઝનેસ ડેવલોપ કર્યો છે. સાથે હજારો લોકોને રોજગારી અપાવામાં પણ મદદરૂપ બન્યા છે.
વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિએ માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવી અશક્ય વિચારો સંભવ કર્યા છે. જાતે કુંભાર હોવાથી માટીકલા તો તેમના લોહીમાં જ હતી. આ માટીકલાની કારીગરીમાં તેઓએ થોડી સૂઝબૂઝ ઉમેરીને એક નવા બિઝનેસ તરફ પ્રયાણ કર્યું હતું. શરૂઆતમાં મોટા જોખમની અનુભૂતિ કરાવ્યાં બાદ આ બિઝનેસે મનસુખભાઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ અપાવી છે. મનસુખભાઇની મિટ્ટીકુલ પ્રોડક્ટ્સ એ માટીની છે. જેને રસોઇ માટે રોજીંદા જીવનમાં સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે.
સામાન્ય રીતે વ્યવસાયિક કુંભારો માટીમાંથી એન્ટીક કે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ, તાવળી, માટલા કે પાણીના કુંજા બનાવતા હોય છે ત્યારે મનસુખભાઈએ મિટ્ટીકુલ પ્રોડક્ટ્સ બનાવવાની શરૂ કરી હતી. જેમાં માટીની થારી, વાટકા, ચમચી, બાઉલ થી લઈને ફ્રીઝ સુધીની રસોઈમાં ઉપયોગ લેવાતી તમામ વસ્તુઓ બનાવી હતી. મનસુખભાઈએ ઇકો ફ્રેન્ડલી ફ્રીઝ બનાવીને પોતાનામાં રહેલી કોઠાસૂઝનો પરચો આપ્યો હતો જે જોઈને સૌ કોઈ ભણેલા લોકો પણ દંગ રહી ગયા હતા.
મનસુખભાઈએ બનાવેલા ઇકોફ્રેડનલી ફ્રિજમાં ઈલેક્ટ્રીસીટી વપરાતી નથી. ૫ વર્ષની મહેનત બાદ આ ફ્રીજ બન્યું હતું. આ ફ્રિજ બનાવવા પાછળ મનસુખભાઇ ઉપર રૂ.૧૯ લાખનું દેવું પણ થઈ ગયું હતું. ડાયાબિટીસના ઈન્જેક્શન માટે આ ફ્રિજ વપરાય છે. પેરિસમાં ૧૧ વિશેષ વ્યક્તિનું સન્માન કરાયું હતું. ત્યારે ભારતમાંથી મનસુખભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પેરિસમાં આ ફ્રિજનો ઉપયોગ વાઈન રાખવા કરવામાં આવે છે. આ ફ્રિજમાં ૫ થી ૭ દિવસ સુધી શાકભાજી બગડતા નથી.
સંઘર્ષના દિવસોમાં મનસુખભાઈએ નળીયા બનાવતી ફેકટરીમાં નોકરી કરી હતી. તે દરમિયાન નળીયા બનાવતા મશીનને જોઈને તેઓને તાવળી બનાવી શકે તેવા મશીનનો વિચાર આવ્યો હતો. ૫ વર્ષ સુધી તેઓએ નાળિયા બનાવતી ફેક્ટરીમાં કામ કર્યું હતું. બાદમાં પૂરતા નાણા ન હોવા છતાં મનસુખભાઈએ રૂ.૫૦ હજાર ઉછીના લઈને બિઝનેસ કરવાનુ જોખમ ખેડયું હતુ.
મનસુખભાઈએ રૂ.૫૦ હજારની ઉધારી સાથે નાની ભઠ્ઠીમાં તાવળી બનાવી બિઝનેસની શરૂઆત કરી હતી. એક દિવસમાં સામાન્ય કુંભાર ૧૦૦ તાવળી બનાવી શકે છે. ત્યારે મનસુખભાઇએ મશીનની મદદ થી એક દિવસમાં ૨ હજાર તાવડી બનાવવાનું શરૂ કર્યું હતું. આમ મશીન થી તેઓ મહેનત વગર તાવડી બનાવતા થયા હતા. મનસુખભાઈએ આજ સુધીમાં આ પ્રકારના ૨૦૦ થી વધુ મશીનો અન્ય કુંભાર પરિવારને આપ્યા છે. જેના આધારે આશરે ૧૦૦૦ કુટુંબને રોજીરોટી મળી રહી છે.
મિટ્ટીકુલમાં માટીના કુકર પણ બનાવવામાં આવે છે. પહેલાના જમાનામાં માટીના વાસણો જ ઉપયોગ લેવામાં આવતા હતા. જે આરોગ્યવર્ધક હતા. આજે શરીરને નુકશાન કરતી ધાતુનો ઉપયોગ વધવાથી આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. જ્યારે માટીમાં પંચ તત્વો છે. આ તત્વો શરીર માટે ખુબ સારા છે. માટીના વાસણો થી ડાયાબિટીસ પણ દૂર થાય છે. ખાસ આરોગ્યને ધ્યાને લઈને મિટ્ટીકુલ પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે.જેમાં દરેક વાસણ માટીના બનાવવામાં આવ્યા છે.
મનસુખભાઇએ મિટ્ટીકુલના માટલામા નવી ટેકનિક અપનાવી ૦.૯ માઈક્રોનની કેન્ડલ બનાવી હતી. ઉપરાંત તેઓએ માટીનું ફિલ્ટર પણ બનાવ્યું છે. જે બીજા ફિલ્ટર કરતા વધુ ગુણવત્તા યુક્ત પાણી આપે છે. મિટ્ટીકુલની પ્રોડક્ટ્સને હેલ્થ માટે પણ ઘણા એવોર્ડ આપવામાં આવ્યા છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ મિટ્ટીકુલને જબરો લોકપ્રતિસાદ મળ્યો છે. મિટ્ટીકુલ પ્રોડક્ટ્સને ફોર્બ્સ મેગેઝીનમાં પણ સ્થાન મળ્યું છે. તેમજ તાજેતરમાં મનસુખભાઇને ગ્લોબલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
મનસુખભાઈએ આટલામાં ન અટકતા હજુ વધુ સંશોધનો શરૂ કર્યા અને હાલ છાણમાંથી લાકડા બનાવવાની શરુઆત કરી છે. આ લાકડાઓનો ઉપયોગ સ્મશાનમાં કરી શકાય છે. મનસુખભાઈના આ બિઝનેસમાં તેના બે પુત્રો પણ જોતરાઈ ગયા છે. પુત્રો આ બિઝનેસને આધુનિક સ્વરૂપ આપી રહ્યા છે. તેઓએ વેબસાઈટ બનાવીને તેના મારફત મિટ્ટીકુલનું વેચાણ શરૂ કર્યું છે. www.mitticool.com વેબસાઈટ પરથી મિટ્ટીકુલનો ઓર્ડર આપી શકાય છે. મિટ્ટીકુલ માટીની પ્રોડક્ટ હોવાથી લોકોને યોગ્ય રીતે ડિલિવરી મળે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com