પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં ભારત ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બને,આર્થિક મહાસતા બને તે માટે સમૃદ્ધ ભારત સક્ષમ ભારતના મંત્ર સાથે તમામ મોરચે આમૂલ પરિવર્તન હાથ ધર્યું છે
ભાજપા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૯-૨૦ને આવકારતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત અગામી સમયમાં ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બને,આર્થિક મહાસતા બને તે માટે સમૃદ્ધ ભારત સક્ષમ ભારતના મંત્ર સાથે તમામ મોરચે આમૂલ પરિવર્તન હાથ ધર્યું છે.ભારતીય અર્થતંત્રને એક ટ્રીલીયન ડોલર સુધી પહોંચવામાં ૫૫ વર્ષ લાગ્યા હતા.પાંચ વર્ષ પહેલાં ભારત વિશ્વનું ૧૧માં નંબરનું અર્થતંત્ર હતું જે હાલ વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ત્યારે ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલું બજેટ એ નવા ભારતના નિર્માણ માટેનું વિઝન ડોક્યુમેન્ટ બની રહેશે.
વાળાએ જણાવ્યું હતું કે આપણો દેશ પોલીસી પેરાલીસીસના યુગમાંથી બહાર નીકળી હવે પોલીસી ડ્રીવન ડેવલોપમેન્ટના યુગમાં પ્રવેશ કરી ચુક્યો છે.દેશના લોકો પણ ઘોર નિરાશામાંથી બહાર નીકળી છેલ્લાં પાંચ વર્ષમાં નવી આકાંક્ષાઓ,નવા જોમ અને જુસ્સા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રગતિના શિખરો સર કરવા તત્પર બન્યા છે. આર્થિક સુધારાઓની સાથે સાથે સામાજીક સુધારાઓને પણ બળ આપનારું આ બજેટ ખેડૂત,ગરીબ,મધ્યમવર્ગ,યુવા,મહિલા સહીત તમામ વર્ગના લોકો માટે સુખ-સમૃદ્ધિ અને પરિવર્તનના નવા યુગની શરૂઆત માટેનો રોડમેપ બની રહેશે.
આ બજેટમાં ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ થાય અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ પણ શહેરોની સમકક્ષ બને તે માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃતીઓ માટે ૧,૫૧,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેશનો અન્નદાતા ઉર્જાદાતા પણ બને અને ખેત પેદાશોની સાથે સાથે ખેતરમાં વીજળીનું પણ ઉત્પાદન કરી વધારાની આવક મેળવી શકે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઝીરો બજેટ ખેતી, ટેકાના ભાવમાં વધારો, નવા એગ્રીકલ્ચર ક્લસ્ટરનું આયોજનની સાથે ખેડૂતોને મળતી ખાતર સબસીડીમાં પણ ૧૦,૦૦૦ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
આ બજેટમાં વિકાસને ગતિ આપવાની સાથે ગરીબ અને મધ્યમવર્ગની પ્રગતિ માટેનું પણ આયોજન છે.મધ્યમવર્ગના કરદાતાઓને ૫ લાખ સુધીની વાર્ષિક આવક પર ઝીરો ટેક્સ. ૪૫ લાખની કિંમત સુધીનું ઘર ખરીદનારને તેમની આવકમાંથી ૩.૫૦ લાખ સુધીનું હોમલોનનું વ્યાજ બાદ મળશે.મહિલાઓ માટે નારી તું નારાયણી યોજના હેઠળ જનધન ખાતા ધારક મહિલાઓને ૫૦૦૦ રૂ.નો ઓવરડ્રાફ્ટ તેમજ મુદ્રા યોજના હેઠળ એક લાખની લોનની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
આમ,નવા ભારતના નિર્માણના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક સંતુલિત અને વિકાસશીલ બજેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રી નિર્મલા સીતારામનનો આભાર.