જીડીપીનો દર ૫ ટકાએ પહોંચ્યો: શેરબજાર ધમરોળાયું

સોના-ચાંદીમાં ‘ગાંડી’ તેજી

સોનું ૪૦ હજારને પાર, જ્યારે ચાંદી ૫૦ હજારે પહોંચ્યું

દેશની અર્થવ્યવસ્થા હાલ ડામાડોળ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથની વાત કરવામાં આવી રહી છે તેને કેવી રીતે પહોંચી શકાય તે દિશામાં હવે નજીકનાં દિવસોમાં જ પગલા લેવા પડશે. કારણકે દિન-પ્રતિદિન દેશની અર્થવ્યવસ્થા બગડી રહી છે ત્યારે દેશ માટે આર્થિક વમણો પણ ઉભા થયા છે. કથળથી પરિસ્થિતિમાં રૂપિયો પર ડોલર સામે ગગડી રહ્યો છે. કોઈપણ દેશનો વિકાસ તેનાં જીડીપી ઉપર નિર્ધારિત થતો હોય છે ત્યારે હાલ ભારત દેશનો જીડીપી ૫ ટકાએ પહોંચી જતા દેશની અર્થવ્યવસ્થા ખુબ જ બગડી છે. મંગળવારે કારોબારનાં પ્રારંભથી જ ઓટો, સ્ટીલ, બેન્કિંગનાં શેરોમાં પ્રવર્તીત નબળાઈનાં કારણે સેન્સેકસ ૭૭૦ પોઈન્ટે કડાકો બોલ્યો હતો. અંદાજે રોકાણકારોનાં ૨.૫૫ લાખ કરોડનાં મુડીનું ધોવાણ પણ થઈ ગયું હતું.

શેરબજારનાં વિશેષજ્ઞોનું માનવું છે કે, શેરબજારમાં જે ધોવાણ દિન-પ્રતિદિન થઈ રહ્યા છે તેનાં મુખ્ય કારણો તો દેશનો જીડીપી દર ૬ વર્ષનાં તળીયે આવી પહોંચ્યો છે જયારે બીજો મુદ્દો અર્થતંત્રનાં જે કમાઉ ક્ષેત્રો છે તેમાં વૃદ્ધિ દર ઘટી ૨.૧ ટકાએ પહોંચ્યો છે. ઓટો મોબાઈલ કંપનીઓનાં વેચાણમાં ઘટાડો તથા અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરથી આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મંગળવારનાં રોજ તમામ ક્ષેત્રનાં શેરોમાં કડાકો બોલી ગયો હતો જેમાં મેટલ, એનર્જી, ક્ધઝયુમર ડયુરેબલ, ટેલીકોમ, ઓઈલ એન્ડ ગેસ, કેપીટલ ગુડઝ સહિતનાં શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.  ગત સપ્તાહે સાધારણ સુધારો દર્શાવનારું શેરબજાર આજે સપ્તાહના પહેલા જ ટ્રેડિંગ ડેમાં તૂટ્યું છે. આજે સેન્સેક્સ ૭૭૦ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૩૬,૫૬૩ પોઈન્ટ્સ પર, જ્યારે નિફ્ટી ૨૨૫ પોઈન્ટ્સના કડાકા સાથે ૧૦,૭૯૮ પોઈન્ટ્સ પર બંધ થયા છે. એપ્રિલ-જુન ક્વાટરના આંકડા ધાર્યા કરતાં ખૂબ જ નબળા આવતા શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલાશે તેવી ધારણા હતી જ, જે આજે સાચી સાબિત થઈ હતી.

આજે સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકને બાદ કરતાં બાકીના તમામ ૨૮ શેર્સ રેડ ઝોનમાં બંધ થયા હતા. આઈસીઆઈસીઆઈ બેંકનો શેર આજે સૌથી વધુ ઘટેલા શેર્સમાં ટોચ પર રહ્યો હતો. આ શેર ૪.૪૫ ટકાના ઘટાડા સાથે ૩૯૨.૧૫ની સપાટીએ બંધ આવ્યો હતો. એશિયન પેઈન્ટ્સ, સનફાર્મા, એલએન્ડટી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એરટેલ, એક્સિસ બેંક, ઓએનજીસી, એનટીપીસી, રિલાયન્સ, ટાટા મોટર્સ, એચડીએફસી ટ્વિન્સ, ટાટાસ્ટીલ, ઈન્ડસન્ડ બેંક, ટાટા સ્ટીલ જેવા શેર્સ અઢી થી સાડા ત્રણ ટકા જેટલા તૂટ્યા હતા. સોમવારે જાહેર કરાયેલા જીડીપીના સત્તાવાર આંકડામાં જણાવાયું હતું કે, હાલ તેનો દર ૫ ટકા પર આવી ગયો છે. આઠ માળખાગત ઉદ્યોગોનો વિકાસ દર જુલાઈમાં ૨.૧ ટકા પર આવી ગયો છે. ઓટો કંપનીઓના વેચાણમાં પણ ઓગસ્ટ મહિનામાં જોરદાર કડાકો બોલાયો છે જે અર્થતંત્રમાં સુસ્તીનો નિર્દેશ કરે છે. કાર માર્કેટમાં સૌથી વધુ હિસ્સો ધરાવતી મારુતિ સુઝુકીનો શેર પણ આજે ૨.૬૧ ટકા જ્યારે આયશર મોટર્સ ૨.૯૭ ટકા ઘટ્યા હતા.

બીજી તરફ ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૯૭ પૈસાનાં કડાકા સાથે રૂપિયો ૭૨.૩૯ બંધ થયો હતો જયારે આજ સવારે રૂપિયામાં ૧૫ પૈસાનો વધારો પણ જોવા મળ્યો હતો. સોનું ૧૦ ગ્રામ દિઠ રૂા.૬૦૦નાં ઉછાળા સાથે ૪૦,૪૦૦ની નવી સપાટીએ પહોંચ્યો હતો જયારે ચાંદી પણ ૫૦,૦૦૦ સુધી પહોંચી હતી. માનવામાં આવે છે કે, સોના-ચાંદીમાં ગાંડી તેજી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલ, વેદાંતાનાં શેરોમાં ભારે મંદી જોવા મળી રહી છે જયારે એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને બ્રિટાનીયાનાં શેરોમાં તેજી પણ જોવા મળી હતી. વાત કરવામાં આવે તો મેનીફેકચરીંગ ક્ષેત્રનો જે વિકાસ ઓગસ્ટ માસમાં ઘટી ૧૫ મહિનાનાં નીચલા સ્તરે પહોંચ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે નકકર પગલા લેવા પડશે અને તેનો ત્વરીત અમલ પણ કરવો પડશે. હાલ બજારમાં રૂપિયો ફરતો ન હોવાથી તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે તે પણ એક કારણ છે કે જેનાથી બજાર મંદ પડી ગઈ છે અને શેરબજારની સ્થિતિ પણ નરમ થઈ ગઈ છે.

સેન્સેકસે આજે દિવસ દરમિયાન ૩૭,૦૦૦ પોઈન્ટની જયારે નિફટીએ ૧૧,૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી બજાર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. કેન્દ્રમાં ફરી મોદી સરકાર રચાયા બાદ સેન્સેકસમાં ૩૫૦૦થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. સમયાંતરે ઉછાળા બાદ મોટાભાગે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે નિફટી સ્મોલ કેપ ૧૦૦ અને નિફટી મીડ કેપ ૧૦૦માં પણ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. મહામંદીમાં પણ ટેક મહિન્દ્રા, બીપીસીએલ, બિટાનીયા, એચસીએલ ટેક કંપનીનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો તો આઈઓસીનાં ભાવમાં ૩.૮૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંકનાં ભાવમાં ૩.૭૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટનાં ભાવમાં ૩.૮૦ ટકા અને એચડીએફસીનાં ભાવમાં ૩.૫૮ ટકાનો તોતીંગ કડાકો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે આજે રૂપિયામાં જબરું ધોવાણ થયું હતું. રૂપિયો ૮૨ પૈસાની નબળાઈ સાથે ૭૨.૨૨ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેકસ ૫૮૨ પોઈન્ટનાં ઘટાડા સાથે ૩૬,૭૫૦ અને નિફટી ૧૭૨ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૦,૮૫૧ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. જાણકારોનાં મતાનુસાર આગામી દિવસોમાં પણ બજારમાં મંદી જળવાય રહેશે. રોકાણકારોને સાવચેતી સાથે ટ્રેડ કરવા તાકીદ કરવામાં આવી છે.

મોદી સરકાર સતામાં આવ્યા બાદ જે નિર્ણયો લીધા છે તેનાથી કયાંકને કયાંક દેશની અર્થવ્યવસ્થા પર માઠી અસર પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. બજારમાં તરલતાનો અભાવ, રિયલ એસ્ટેટ તથા ઓટોમોબાઈલ ક્ષેત્રે મંદી હોવાનાં કારણે બજારમાં જે રૂપિયો ફરવો જોઈએ તે ફરતો ન હોવાથી અનેકવિધ તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બજેટમાં જે વિકાસલક્ષી યોજનાઓને અમલમાં મુકવા માટે જે મુસદાઓ તૈયાર કરવામાં આવે છે તેને વહેલાસર કેવી રીતે પુરા કરી શકાય તે દેશનાં નાણામંત્રાલય સામે સૌથી મોટો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. ભારત દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેનાં રીઝર્વ ફંડમાંથી નાણા કેન્દ્ર સરકારને આપ્યા છે ત્યારે હવે જરૂરી એ છે કે, નાણાનું યોગ્ય આયોજન કરવામાં આવે જેથી દેશની સ્થિતિમાં સુધારો થઈ શકે.

ભારત-બ્રિટેન વચ્ચે ફ્રિ ટ્રેડનાં સારા સંકેતો

બ્રિટેનનાં વડાપ્રધાન બોરિસ જોનસને ભારત સાથે ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ માટે જે વાત કરી હતી તેમાં તેઓએ સહમતી દાખવી જણાવ્યું છે કે, ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટથી ભારત અને બ્રિટેનનાં સંબંધો વધુ મજબુત થશે. ફ્રાંસમાં ગત માસમાં યોજાયેલી જી-૭ બેઠકમાં ભારત અને બ્રિટેન વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી અને અનેકવિધ કરારો પણ કરવામાં આવ્યા હતા. ભારત અને યુકેનાં સંબંધો વિશે પ્રશ્ર્ન પુછતા બ્રિટેનનાં વડાપ્રધાન બોરીસ જોનસને જણાવ્યું હતું કે, ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખુબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે અને તેનાં પ્રત્યાઘાતો બંને દેશો ઉપર હકારાત્મક પડશે. વધુમાં બ્રિટેનનાં વડાપ્રધાને જણાવતાં કહ્યુ હતું કે, આતંકવાદ વિરોધી પ્રવૃતિ તથા ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટનાં કારણે બંને દેશો વચ્ચેનાં સંબંધોમાં પણ અનેકગણો સુધારો જોવા મળશે. બ્રિટેન અને ભારત ખંભેખંભો મિલાવી આતંકવાદ વિરુઘ્ધ લડશે અને એશિયા પેેસેફિક વિસ્તારમાં મિલેટ્રી કો-ઓપરેશન પણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.