સ્વાવલંબીની સાથે રસીની નિકાસ કરી ભારત વૈશ્વિક બજારમાં ડંકો વગાડશે!!
કોરોનાકાળમાં પણ વિશ્વભરનાં દેશોને પોતાની તાકાત બતાવી દેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશભરમાં ‘આત્મનિર્ભર ભારત’ની પહેલ ગૂંજી ઉઠી છે. કોરોનાની રસીનું દેશમાં જ ઉત્પાદન કરી ભારતને એક નવી ઓળખ અપાવવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે ભારતમાં જ કોવિશિલ્ડ અને કોવેકિસનનું ઉત્પાદન થવાનું છે. જે ગૌરવપૂર્ણ વાત છે. એમાં પણ ગઈકાલે ડીસીજીઆઈએ કોવિશિલ્ડને મંજૂરી આપી દીધા બાદ સીરમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતુ કે, સૌ પ્રથમ દેશની ઘરેલું માંગ પર ધ્યાન કેન્દ્રીત કરાશે. સતત બે મહિના સુધી સ્થાનિક માંગને પહોચી વળવા પર કામ કરાશે. અને ત્યારબાદ જ જરૂરિયાત મંદ દેશોમાં કોવિશિલ્ડના ડોઝની નિકાસ પર વિચારાશે સરકારને આશરે પ્રથમ ૧૦ કરોડ ડોઝ અપાશે અને ત્યારબાદનાં ઉત્પાદનનું જ નિકાસ કરાશે.
ઉલ્લેખનીય છે કે, કોઈ પણ રસી કે દવાના ઉત્પાદનમાં ભારતે ભૂતકાળમાં પણ મસમોટી સિધ્ધીઓ હાંસલ કરેલી છે.ત્યારે હવે, કોરોના સામેની રસીનું પણ મોટીમાત્રામાં ઉત્પાદન કરી નિકાસ માટે સજજ થયું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, વિશ્વમાં ચીન સિવાય બીજા કોઈ દેશ પાસે ભારતની સમકક્ષ આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ નથી. અમેરિકા, રશિયા, બ્રિટન જેવા વિકસિત દેશો પણ કોરોનાકાળની આ પરિસ્થિતિમાં પડી ભાંગ્યા છે. ત્યારે હવે, વિશ્વની જરૂરીયાત સંતોષવા ભારત પાસે અઢળક તકો રહેલી છે. જેને હડપી ભારત આત્મનિર્ભરતાની સાથે સાથે વૈશ્વિક બજારમાં ડંકો વગાડશે અગાઉ કોરોના સામેની દવા હાઈડ્રોકિસ કલોરોકિવનમાં પણ આ પ્રકારે જ ભારતનો ફાળો રહ્યો હતો. લગભગ ૭૦ ટકા જેટલી દવાનું નિકાસ કરી વિશ્વના દેશોને મદદ કરી હતી.