દેશભકિતની મોટીમોટી વાતો કરતા નગરસેવકોની ઉંઘ પ્રજાસત્તાક પર્વના દિવસે ઘ્વજવંદન માટે પણ ન ઉડી

રાજકોટવાસીઓએ હોંશભેર મતદાન કરી ચુંટીને મોકલેલા નગરસેવકો દેશભકિતની વાતુ કરવામાં જ પુરા છે વાસ્તવમાં એક પણ નેતામાં દેશદાઝ જેવું કંઈ ન હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે પ્રજાસતાક પર્વના દિવસે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મહાપાલિકા દ્વારા યોજાયેલા ઘ્વજવંદન કાર્યક્રમમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા માત્ર ૨૨ કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા. કોંગ્રેસને જાણે દેશ ભકિત સાથે સ્નાન સુતકનો સંબંધ ન હોય તે રીતે કોંગ્રેસના કોર્પોરેટરો સાગમટે ગેરહાજર રહ્યા હતા જોકે કોંગ્રેસે પોતાની રીતે સર્વેશ્વર ચોક ખાતે અલાયદી પ્રજાસતાક પર્વની ઉજવણી કરી હતી.

૭૦માં પ્રજાસતાક પર્વ નિમિતે મહાપાલિકા દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ઘ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જયારે કોર્પોરેશન દ્વારા ઘ્વજવંદનનું આયોજન કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના તમામ કોર્પોરેટરોએ પોતાની નૈતિક જવાબદારી સમજી આ અવસરે હાજર રહેવું જોઈએ પરંતુ દેશની જાણે કમનશીબી હોય તેમ મહાપાલિકા આયોજીત ઘ્વજવંદનમાં કોંગ્રેસના ૩૦ પૈકી ૧ પણ કોર્પોરેટર ઘ્વજવંદનમાં હાજર રહ્યો ન હતો. આટલું જ નહીં ભાજપના પણ ૩૯માંથી માત્ર ૨૨ કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા અને ૧૭ની સુચક ગેરહાજરી જોવા મળી હતી.

મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ઘ્વજવંદન કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર ઉપરાંત પૂર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડીયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર, વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહિર, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન શિલ્પાબેન જાવીયા, બાગ-બગીચા અને ઝુ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, શીશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજના સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, એસ્ટેટ સમિતિના ચેરમેન પ્રિતીબેન પનારા, કોર્પોરેટર મીનાબેન પારેખ, રાજુભાઈ અઘેરા અને વર્ષાબેન રાણપરા સહિત ભાજપના ૨૨ કોર્પોરેટરોએ રાષ્ટ્રઘ્વજ સલામી સમારોહમાં હાજરી આપી પોતાની નૈતિક જવાબદારી અદા કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.