મંદી..! આ એક એવી આગ છે જેના ઉપર ચાંપતી નજર ન રાખવામાં આવે અને જો તેને વહેલીતકે બુઝાવવામાં ન આવે તો તે બહુ ટૂંકાગાળામાં જંગલનાં દાવાનળની જેમ પ્રસરે છૈ અને આખું જંગલ લપેટાઇ જાય છૈ. હા, યુનાઇટેડ કિંગડમ (યુ.કે) ના નાણા પ્રધાને અંતે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે યુનાઇટેડ કિંગડમ મંદીનાં વમળમાં ફસાયું છે. આ અગાઉ દાયકા પહેલા એટલેકે 2008માં વૈશ્વિક મંદીનાં સમયે પણ યુ.કે મહામંદીનો ભોગ બન્યુ હતું. સામાન્ય રીતે કોઇ મહાયુધ્ધ, મહામારી કે મહા કૌભાંડ બાદ બજારો મંદીનાં ભરડામાં આવતા હોય છૈ, મોંઘવારી વધતી હોય છૈ અને લાખોની સંખ્યામાં મધ્યમ વર્ગીય જનતા રોજગાર ગુમાવતી હોય છે. જેમાં કોઇ એક દેશ કે સ્થળ કેન્દ્ર સ્થાને હોય છે.
તો શું આ વખતે મહામંદીનાં કેન્દ્રસ્થાને યુ.કે છે? આમ તો જ્યારથી બ્રેક્ઝીટનો વિવાદ થયો ત્યારથી યુ.કેની ઇકોનોમી હાલકડોલક તો હતી જ એમાં કોવીડ-19 ની મહામારી આવી અને ત્યારબાદ રશિયા એ યુક્રેન પર હુમલા શરૂ કર્યા. જેના કારણે યુ.કેનાં આ હાલ થયા છે. આ સમયગાળામાં સરકારે ટેક્ષમાં ફેરફાર, વ્યાજદરમા ફેરફાર તથા ખર્ચમાં કાપ મુકવા જેવા પ્રયત્નો કર્યા પણ હાળત બગડતી ગઇ છે. હાલમાં યુ.કેની બેલેન્શીટમાં 64 અબજ ડોલરનું છીંડુ જોવા મળે છે. ડોલરની સામે પાઉન્ડ 1.17 થઇ ગયો છે. આ ખાડો કેવી રીતે પુરવો તે નવા વડાપ્રધાનની સમસ્યા છે. સરકાર હાલમાં ટેક્ષનું નવું માળખું રજૂ કરવાની તૈયારીમાં છે. જેમાં ઉંચા ટેક્ષનાં સ્લેબમાં 45 ટકાનાં દરે હવે 150000 પાઉન્ડની જગ્યાએ હવે 1,25,000 પાઉન્ડ ભરવાના રહેશે. આ ઉપરાંત બાકીનાં કરદાતાઓ માટે ટેક્ષ બે વર્ષ માટે ફ્રીઝ કરવામાં આવશે. વાર્ષિક સરેરાશ 5.5 ટકાની આવક વધવાની ગણતરી કરીને રજૂ કરાયેલી આ યોજનામાં જેમના ટેક્ષ ફ્રીઝ થયા હશે તેઓ આપોઆપ આવક વધતા ઉંચા ટેક્ષ સ્લેબમાં આવશે અને બે વર્ષ બાદ સરકારને કરવેરાની વધારે આવક મળશે. આ ઉપરાંત વધુ નફો કરનારી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓને વિન્ડફોલ ટેક્ષ ભરવાનું કહેવામાં આવશૈ જે 2028 સુધી લાગુ પડશે. જોકે આ સ્કીમ છે જે કેવી અસર કરશે તે કોઇ કહી શકતું નથી, હાલમાં બ્રિટનમાં વ્યાજદર છેલ્લા ત્રણ દાયકાનાં સૌથી વધારે છે. યુ.કેના ઇકોનોમિસ્ટો માને છે કે આ વખતની મંદી લાંબી ચાલશે. કદાચ આગામી બે વર્ષ એટલેકે 2025 સુધીમાં બેકારીનો દર બમણો થઇ શકે છે. હાલમાં યુ.કેમાં કોસ્ટ ઓફ લિવીંગ છેલ્લા ચાર દાયકામાં સૌથી વધારે ઝડપથી વધી રહી છે. જેના ઉપર હાલમાં બ્રેક મારવામાં નહીં આવે તો પછી ક્યારેય નહીં આવી શકે.
સામાન્ય રીતે જ્યારે કોઇપણ દેશમાં સતત ચાર-પાંચ મહિના સુધી સરકારની આવક ઘટતી જાય, કંપનીઓના પગાર ચુકવણા સતત ઘટતા જાય તથા બેકારી વધતી જાય ત્યારે મંદી હોવાનું જાહેર થયા છે. બેંકો કહે છે કે યુ.કેની હાલની મંદી ભલે કદાચ ઇતિહાસની સૌથી ભયાનક ન હોય પણ 1920 નાં વર્ષ પછી જોવા મળેલી સૌથી લાંબા સમયગાળાની મંદી હોઇ શકે છે. હાલમાં યુ.કેમાં વાહન કે મકાન લેનારા લોકો પોતાનો લોનનો હપ્તો ભરતા હોવા છતાં તેમના ભરવા પાત્ર બાકી રહેતા નાણા વધતા જાય છે.
યાદ રહે કે કોઇ નાના દેશની સ્થિતી ખરાબ થાય તો તેની વૈશ્વિક ઇકોનોમી ઉપર અસર ઓછી થાય છૈ પણ વિકસીત દેશની ઇકોનોમી પાટા પરથી ઉતરે તો તેની વૈશ્વિક અસર થતી જ હોય છે. એશિયામાં જેમ ભારત, ચીન, શ્રીલંકા, નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ તથા દુબઇ સહિતના આરબ દેશોના કારોબાર એકબીજા સાથે સંકળાયેલા છે. એવી જરીતે અમેરિકા તથા ખાસ કરીને યુરોપનાં કારોબાર યુ.કે સાથે જોડાયેલા છે. તેથી આજની યુ.કેની સ્થિતીની સીધી અસર યુરોપ પર પડી રહી છે. આમેય તે રશિયા-યુક્રેન યુધ્ધથી આખું યુરોપ પરેશાન થયું જ છે. હાલમાં અમેરિકા તથા યુરોપની ઇકોનોમી ચિંથરેહાલ થઇ રહી છે.
જે.પી મોર્ગને હાલમાં જ કહ્યું છે કે 2023 માં અમરિકાની ઇકોનોમી 0.5 ટકાનાં નેગેટિવ દરે આગળ વધી શકે છે. જે 2024 સુધી લંબાય તો આખા વિશ્વની હાલત ખરાબ થશે. માર્ચ- 2023 સુધીમાં કદાચ અમેરિકામાં ફેડરલ બેંક વ્યાજદરમાં હજુ 100 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. હાલમાં મેટા, ટ્વીટર, અને એમેઝોને કર્મચારીઓ ઘટાડવાની કવાયત શરૂ કરી છે. 2024 સુધીમાં આશરે 10 લાખ લોકો બેરોજગાર થવાની સંભાવના છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો વિકાસશીલ દેશોની રોજગારી અને આવકમાં 360 અબજ ડોલરનો ઘટાડો કરશે એવું સંયુક્ત રાષ્ટ્રોનું અનુમાન છે.
બીજીતરફ યુ.કેમાં મંદી જાહેર થઇ કે તુરત જ યુરોપિયન સેન્ટ્રલ બેંકે સંકેત આપી દીધા છે કે યુરોનો કરન્સી તરીકે ઉપયોગ કરનારા 19 દેશોમાં મંદી દરવાજે દેખાય છે. કારણ કે વધતી મોંઘવારીથી કંપનીઓ અને કર્મચારીઓ એમ સૌ પરેશાન છે. હાલમાં જ રજૂ કરાયેલા ચાર્ટમાં યુરોઝોનમાં મંદીની 80 ટકા અને અમેરિકામાં 60 ટકા શક્યતાઓ દેખાડાઇ છે. સંયુક્ત રાષ્ટ્રો સંકેત આપે છે કે 2023 માં વૈશ્વિક જી.ડી.પી. દર માંડ 2.2 ટકા રહેશે જે વૈશ્વિક મંદીનાં સંકેત છે. એશિયાની વાત કરીએ તો શ્રીલંકા, ટર્કી, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન મોંઘવારીનાં ભરડામાં છે. પરંતુ ભારત અને ચીન હજુ કંટ્રોલમાં હોવાથી એશિયામાં મંદીની અસર ઓછી દેખાઇ શકે.