- રાજ્ય ચૂંટણી પંચે વધુ 3 ઓબ્ઝર્વરની કરી નિમણૂંક, બધા ઓબ્ઝર્વર તા.2એ રાજકોટ આવી પહોંચશે
- દરેક વિધાનસભા વાઇઝ રાજકીય 14-14 એજન્ટો નિમાશે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષોના એજન્ટોની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. દરેક વિધાનસભા મત વિસ્તાર વાઇઝ 14-14 એજન્ટ નીમવામાં આવશે. કુલ 98 રાજકીય એજન્ટો નિમવામાં આવશે. આ એજન્ટોને નિયત કરાયેલ પાસ આપવામાં આવશે. તેઓ મતગણતરી કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટ બેઠકની મતગણતરી 4 ઓબ્ઝર્વરની હાજરીમાં થવાની છે. હાલ એક ઓબ્ઝર્વર રાજકોટ માટે ઉપલબ્ધ છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે વધુ 3 ઓબ્ઝર્વરની કરી નિમણૂક કરી છે. આ બધા ઓબ્ઝર્વર તા.2એ રાજકોટ આવી પહોંચશે.
4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી કણકોટ એન્જીનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવશે,તો પોલીસ બંદોબસ્ત માટેના ડોમ અને કંટ્રોલ રૂમની તૈયારીઓ શરૂ કરાઈ છે. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, સીસીટીવી, એલઇડી સહિતની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ છે. અહીં કોલેજની બે બિલ્ડીંગના 4 ફ્લોરમાં મતગણતરી યોજાનાર છે. જે વેળાએ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.
મતગણતરીમાં ચૂંટણી પંચે પ્રથમવાર રાજકોટમાં વધુ 3 જનરલ ઓબ્ઝર્વર ફાળવ્યા છે. રાજસ્થાનના સિનિયર આઈએએસ ડો. પૃથ્વીરાજ હાલ રાજકોટના ઓબ્ઝર્વર તરીકે કાર્યરત છે.
આ ઉપરાંત વધારાના 3 ઓબ્ઝર્વર ફાળવવામાં આવ્યા છે. આ ઓબ્ઝર્વર તા.2એ રાજકોટ આવશે. કણકોટ એન્જીયરિંગ કોલેજમાં 4 ફ્લોરમાં મતગણતરી ચાલશે. તેમાં દરેક ફ્લોરમાં એક એક ઓબ્ઝર્વર રહેશે. તેની રાહબરી હેઠળ મતગણતરી થશે.
વધૂમાં હાલ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારની હાજરીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. અંદાજે 1000 જેટલો સ્ટાફ મતગણતરીમાં રોકાવાનો છે નત્યારે દરેક વિધાનસભામાંથી સ્ટાફનું લિસ્ટ મંગાવાયુ છે. હવે આવતા દિવસોમાં સ્ટાફનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મતગણતરી વેળાએ સૌ પ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ કરવાનું આયોજન હાલ તંત્ર દ્વારા ધરાયુ છે. જે માટે કવાયત કરવામાં આવી રહી છે.