કોવીડ હોસ્પિટલમાં દાખલ થતા કેટલાક દર્દીઓ જીદ કરે કે મારે ઘરે જ જવું છે, અહીં ગમતું નથી, હું અહીં રહી શકીશ નહીં, અહીં સારવાર લેવી નથી… આવા દર્દીઓ ઘર પરિવારથી દૂર હોઈ તેઓ માનસિક રીતે નબળા પડી જતા હોય છે. આવા દર્દીઓને સમજાવવા, મનાવવા અને તેમને ધરપત આપી એક પરિવારના સભ્યની જેમ તેમને સતત હૂંફ આપવાનું કામ રાજકોટ કોવીડ હોસ્પિટલમાં કાઉન્સેલર્સની ટીમ કરી રહી છે.
કોરોનાના ગંભીર દર્દીઓને સિવિલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે દર્દીઓ અને તેમના પરિવારજનોને મુજવણ થતી હોઈ છે. ડોક્ટર્સ અને સિવિલ સ્ટાફ દર્દીઓની સારવાર કરે તે દરમ્યાન દર્દીઓને કાઉન્સેલિંગની સુવિધા વિશેષરૂપે સિવિલ દ્વારા ઉભી કરવામાં આવી છે. જેના માટે કાઉન્સેલર્સની ખાસ બ્રિગેડ તૈયાર કરવામાં આવી છે, જે દર્દીઓ, તેમના પરિવારજનો અને ડોક્ટર્સ ટીમ સાથે જરૂરી માહિતીનું આદાન-પ્રદાન કરી સેતુરૂપ કામગીરી કરી રહી છે.
ડો. ભૂમિ જણાવે છે કે, ખાસ કરીને મોટી ઉંમરના દર્દીઓ, ડાયાબિટીસ કે બીપીના દર્દીઓ ગંભીર હોઈ ત્યારે તેમને માનસિક સધિયારો પૂરો પાડી તેઓ જલ્દીથી સાજા થઈ જશે તેવા હકારાત્મક વિચારો, વાતચીત કરી તેમને અમારી ટીમ સતત વ્યસ્ત રાખે છે. અમે દર્દીને તેમના પરિવારજનો સાથે વિડીયો કોલિંગ કરી આપી તેઓ સ્વસ્થ થઈ રહ્યાનું જણાવીએ છીએ. દર્દીઓને કોઈ ફરિયાદ હોઈ, દવા વિષે વાતચીત કરવી હોઈ તો તે પણ અમે ડોક્ટર્સ અને તેમની ટીમને માહિતી પુરી પાડીએ છીએ.